ભારતનો અવાજ વિશ્ર્વમાં સંભળાય છે: વડા પ્રધાન મોદી
જોધપુર: વિશ્ર્વભરમાં ભારતનો અવાજ સાંભળવામાં આવે છે જે કૉંગ્રેસને ગમતું નથી. તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાના પ્રયત્નમાં કૉંગ્રેસે ભારતનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે તેવો આક્ષેપ મોદીએ કર્યો હતો. અત્રે એક જાહેરસભાને સંબોધન કરતા મોદીએ ભ્રષ્ટાચારના મુદ્દે અશોક ગહલોત સરકારની આકરી ટીકા કરી હતી.
રાજસ્થાનમાં ‘પેપરલીક’ માફિયાએ લાખો યુવાનોનું ભવિષ્ય બગાડ્યું છે. આ યુવાનો ન્યાયની માગ કરી રહ્યા છે, તેવું મોદીએ કહ્યું હતું. ‘રેડ ડાયરી’માં કૉંગ્રેસના તમામ કાળા કૃત્યો છે. જેને ખુલ્લા પાડવા રાજ્યમાં ભાજપ સરકારની રચના કરવી જરૂરી છે. રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રધાન રાજેન્દ્ર ગુઢાએ દાવો કર્યો હતો કે ‘રેડ ડાયરી’માં મુખ્ય પ્રધાન અશોક ગહલોતના નાણાંકીય વ્યવહારોની વિગતો છે. રાજસ્થાનમાં સરકાર બન્યા પછી ભાજપ પ્રવાસન ક્ષેત્રમાં રાજ્યને નંબર વન બનાવવાનું લક્ષ્ય રાખે છે અને રાજ્યના દરેક ખૂણામાં વિકાસ કરશે તેવું મોદીએ કહ્યું હતું. કૉંગ્રેસને ખેડૂતોની કે સૈનિકોની ચિંતા નથી અને તેમને ખુરશી સિવાય બીજું કંઈ દેખાતું નથી તેવો મોદીએ આક્ષેપ કર્યો હતો. લોકોના હિત કરતા કૉંગ્રેસને પોતાની વોટબૅન્ક વધુ વહાલી છે તેવું તેમણે કહ્યું હતું.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન ગહલોતના મતવિસ્તાર સદરપુરામાં ‘રાવન કા ચબૂતરા’ મેદાન પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા મહિના પછી અહીં વિધાનસભાની ચૂંટણી થવાની છે. બે સપ્તાહમાં મોદીએ ત્રીજી રેલીને સંબોધન કર્યું છે.