ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-૨૦માં ભારતનો વિજય
વિશાખાપટ્ટનમ: ભારતે પાંચ મેચની ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ.રાજશેખર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોશ ઈંગ્લિસની તોફાની સદીની મદદથી ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૮ રન કર્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવના ૮૦ અને ઈશાન કિશનના ૫૮ રનની મદદથી છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરી હતી. જોકે, એક બોલ બાકી રહેતા રિંકુ સિંહે ભારતને જીત અપાવી હતી. રિંકુ ૧૪ બોલમાં ૨૨ રન કરીને અણનમ પરત ફર્યો હતો. અગાઉ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને ૨૦૯ રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૮ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ ઈંગ્લિશે શાનદાર સદી ફટકારી હતી. તેણે ૫૦ બોલમાં ૧૧૦ રન કર્યા હતા. દરમિયાન તેણે ૧૧ ફોર અને ૮ સિક્સર ફટકારી હતી. તેણે સ્ટીવ સ્મિથ સાથે બીજી વિકેટ માટે ૧૩૦ રનની ભાગીદારી પણ કરી હતી. સ્મિથે ૫૨ રનની ઇનિંગ રમી હતી. ટિમ ડેવિડે અણનમ ૧૯ રન કર્યા હતા. મેથ્યુ શોર્ટ ૧૩ રન કરીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઈનિસે અણનમ સાત રન કર્યા હતા. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી.