ભારતમાં બેરોજગારીનો દર છ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતની વિસ્તરતી અર્થવ્યવસ્થા યુવાનો માટે નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે અને તાજેતરના સર્વે અનુસાર દેશમાં બેરોજગારીનો દર છેલ્લા છ વર્ષમાં સૌથી નીચા સ્તરે છે.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના કૌશલ દીક્ષાંત સમારોહને આપેલા વીડીયો સંદેશમાં વડા પ્રધાને નોંધ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા વિસ્તરી રહી હોવાથી યુવાનો માટે નવી સંભાવનાઓ ઊભી થઈ
રહી છે.
ભારતના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં બેરોજગારી ઝડપથી ઘટી રહી છે તેની નોંધ લેતા, વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકાસના લાભો ગામડાઓ અને શહેરો બંને સુધી સમાન રીતે પહોંચી રહ્યા છે અને પરિણામે, નવી તકો ગામડાઓ અને શહેરો બંનેમાં સમાન રીતે વધી રહી છે. તેમણે ભારતના વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં અભૂતપૂર્વ વધારા તરફ પણ ધ્યાન દોર્યું હતું અને મહિલા સશક્તિકરણ અંગે છેલ્લા વર્ષોમાં ભારતમાં શરૂ કરાયેલી યોજનાઓ અને ઝુંબેશની અસરને શ્રેય આપ્યો હતો.
તેમણે અગાઉની સરકારોમાં કૌશલ્ય વિકાસ તરફની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, અમારી સરકારે કૌશલ્યનું મહત્ત્વ સમજ્યું અને તેના માટે અલગ મંત્રાલય બનાવ્યું અને અલગ બજેટ ફાળવ્યું છે.
તેમણે માહિતી આપી હતી કે દેશમાં છેલ્લા નવ વર્ષમાં લગભગ ૫,૦૦૦ નવી આઇટીઆઇની સ્થાપના કરવામાં આવી છે જેમાં ચાર લાખથી વધુ નવી આઇટીઆઇ બેઠકોનો ઉમેરો થયો છે.