બાલાસોર: ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વિપ ખાતેથી સપાટીથી સપાટી શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર આ મિસાઇલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથેની તેની સરહદો પર દેશની સંરક્ષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. મિસાઇલ સવારે ૯-૫૦ કલાકે લોન્ચ કરવામાં આવી હતી. તેણે તેના તમામ મિશન ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા હતા. ‘પ્રલય’ ૫૦૦-૧,૦૦૦ કિગ્રાની પેલોડ ક્ષમતા સાથે ૩૫૦-૫૦૦ કિમીની ટૂંકી રેન્જ, સપાટીથી સપાટી પરની મિસાઇલ છે. ઘન ઇંધણ, યુદ્ધભૂમિ મિસાઇલ પૃથ્વી સંરક્ષણ વાહન પર આધારિત છે. ‘પ્રલય’ને એલએસી અને એલઓસી પર તૈનાત માટે વિકસાવવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પ્રલય’ મિસાઇલની સરખામણી ચીનની ‘ડોંગ ફેંગ ૧૨’ અને રશિયાની ‘ઇસ્કંદર’ સાથે કરી શકાય છે. જેનો ઉપયોગ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન પાસે પણ તેની સંરક્ષણ પ્રણાલીમાં વ્યૂહાત્મક બેલેસ્ટિક મિસાઇલો છે.
