સમુદ્રયાન અને ચંદ્રયાન-4 મિશન વિશે સરકારે આપી નવી અપડેટ
![India’s Space Breakthrough Samudrayan & Chandrayaan-4 Missions Update](/wp-content/uploads/2025/02/Indias-Space-Breakthrough-Samudrayan-Chandrayaan-4-Missions-Update.jpg)
નવી દિલ્હી: ભારત નજીકના ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવા જઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે માહિતી આપતા કહ્યું કે ભારત વર્ષ 2027માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે.
ચંદ્રયાન-4 મિશન હેઠળ બે અલગ-અલગ પ્રક્ષેપણ હાથ ધરવામાં આવશે, જેમાં મિશનના પાંચ સાધનોને ભારે વજન વહન કરતા પ્રક્ષેપણ વાહન દ્વારા મોકલવામાં આવશે. તેઓ અવકાશમાં એકબીજા સાથે જોડાયેલા હશે. સિંહે જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્વી પર લાવવાનો છે.
આ પણ વાંચો: Chandrayaan 3: ભારતના ચંદ્રયાન-3 મિશનની નવી શોધ, હજુ પણ ખોલી રહ્યું છે રહસ્ય
પ્રધાને વધુમાં કહ્યું કે ગગનયાનને આવતા વર્ષે અવકાશમાં મોકલવામાં આવશે. મિશન હેઠળ, ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.
ભારત સમુદ્રની સપાટીની શોધ માટે 2026માં સમુદ્રયાન લોન્ચ કરશે, જેમાં ત્રણ વૈજ્ઞાનિકોને એક વિશેષ સબમરીન દ્વારા સમુદ્રની 6,000 મીટરની ઊંડાઈએ મોકલવામાં આવશે. સમુદ્રયાન મિશન મહત્વપૂર્ણ ખનિજો, દુર્લભ ધાતુઓ અને અજાણી દરિયાઈ જૈવવિવિધતાની શોધમાં મદદ કરશે અને દેશની આર્થિક પ્રગતિ અને પર્યાવરણીય ટકાઉપણું માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણમાં સમુદ્રયાન મિશનનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: ચંદ્રયાન, સૂર્યયાન બાદ હવે આવી રહ્યું છે ‘મિશન સમુદ્રયાન’…
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સ્થાપના 1969માં થઈ હતી, પરંતુ 1993માં પ્રથમ લોન્ચ પેડની સ્થાપનામાં બે દાયકાથી વધુ સમય લાગ્યો હતો. બીજી લોન્ચ સાઇટની સ્થાપના 2004માં કરવામાં આવી હતી.
ભારતે છેલ્લા 10 વર્ષમાં અવકાશ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. અમે હવે ત્રીજી પ્રક્ષેપણ સાઇટ બનાવી રહ્યા છીએ અને ભારે રોકેટ અને નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે તમિલનાડુના તુતીકોરિન જિલ્લામાં એક નવી પ્રક્ષેપણ સ્થળની રચના સાથે શ્રીહરિકોટાથી આગળ વિસ્તરણ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે ભારતની અવકાશ અર્થવ્યવસ્થા હાલમાં 8 અબજ યુએસ ડોલરની છે અને આગામી 10 વર્ષમાં તે વધીને 44 અબજ યુએસ ડોલર થવાની ધારણા છે. નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાનગી ભાગીદારી અને રેકોર્ડ રોકાણ સાથે, ભારત આવનારા વર્ષોમાં વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટે તૈયાર છે.