નેશનલ

ગરમી વધતા ભારતની પીક પાવર ડિમાન્ડ 240 GW નોંધાઈ, આ સિઝનની સૌથી વધુ

નવી દિલ્હી: દેશના વિવિધ ભાગોમાં રેકોર્ડ તોડ તાપમાન નોંધાઈ રહ્યું છે, ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દેશમાં હીટ વેવ(Heatwave) હજુ કેટલાક દિવસો ચાલુ રહે તેવી શક્યતા છે, વધતા તાપમાનના પારા સાથે દેશમાં વીજળીની માંગ પણ સતત વધી રહી છે. એક અહેવાલ મુજબ કારણે શુક્રવારે ભારતની પીક પાવર ડિમાન્ડ 239.96 ગીગાવોટ(GW) નોંધાઈ હતી, જે ચાલુ સિઝનની સૌથી વધુ હતી. ગરમીથી રાહત મેળવવા એર કંડિશનર અને કૂલર્સ જેવા ઉપકરણોનો વધુ પડતા ઉપયોગને કારણે પાવર ડિમાન્ડ વધી રહી છે.

પાવર મિનિસ્ટ્રીના ડેટા મુજબ, શુક્રવારે પીક પાવર ડિમાન્ડ 239.96 ગીગાવોટ નોંધાઈ હતી, જે આ વર્ષે ઉનાળાની સિઝનમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. ગુરુવારે, તે 236.59 GW હતી, જ્યારે બુધવારે 235.06 GW હતી.

સપ્ટેમ્બર 2023 માં 243.27 GW ની અત્યાર સુધીની સૌથી વધુ પીક પાવર ડિમાન્ડ નોંધવામાં આવી હતી. આ ઉનાળાની મોસમ દરમિયાન આ રેકોર્ડ તૂટી જવાની અપેક્ષા છે.

આ મહિનાની શરૂઆતમાં, મંત્રાલયે મે મહિનામાં દિવસના સમયે 235 GW અને સાંજના કલાકો દરમિયાન 225 GW પીક પાવર ડિમાન્ડનું અનુમાન રાખ્યું હતું. જૂન 2024 માટે દિવસના સમયે 240 GW અને સાંજના સમય દરમિયાન 235 GW ની પીક પાવર માંગનો અંદાજ મૂક્યો હતો.

મંત્રાલયે એવું પણ અનુમાન લગાવ્યું છે કે આ ઉનાળાની સિઝનમાં પીક પાવર ડિમાન્ડ 260 ગીગાવોટના આંકને આંબી શકે છે.

આ વર્ષે માર્ચની શરૂઆતમાં, ભારત હવામાન વિભાગ (IMD) એ અનુમાન લગાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ઉનાળો વધુ ગરમ રહેશે અને હીટવેવ દિવસો વધુ રહેવાની સંભાવના છે, અલ નીનોની સ્થિતિ મે સુધી ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button