10 વર્ષમાં ભારતનું નામ ખેલકૂદના ટોચના 1થી 10 રાષ્ટ્રમાં જોવા મળશેઃ માંડવિયા | મુંબઈ સમાચાર

10 વર્ષમાં ભારતનું નામ ખેલકૂદના ટોચના 1થી 10 રાષ્ટ્રમાં જોવા મળશેઃ માંડવિયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ખેલકૂદ વહીવટ ખરડો (Sports bill) સંસદના બન્ને ગૃહમાં પસાર થઈ જતાં હવે ભારતીય રમતગમત ક્ષેત્રને નવી દિશા આપવા તેમ જ ખેલકૂદ ક્ષેત્રના વહીવટને ધોરણસરનું બનાવવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે અને સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ મંગળવારે કહ્યું હતું કે આ ખરડો પસાર થવાથી દેશના ખેલકૂદમાં મોટું પરિવર્તન (Reform) જોવા મળશે તેમ જ ઍથ્લીટોને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ શકાશે.

માંડવિયાએ એવું પણ કહ્યું હતું કે ` વિશ્વમાં 20 દેશમાં ખેલકૂદને લગતો ખરડો (કાયદો) છે અને ભારત હવે એ દેશોની બરાબરીમાં થઈ ગયું છે. મને ખાતરી છે કે આવનારા 10 વર્ષમાં આપણે રમતગમતમાં વિશ્વ સ્તરે 1-10 નંબર વચ્ચે આવી જઈશું.’

આ પણ વાંચો: રોહિત શર્મા મુદ્દે ટિપ્પણી વિવાદમાં મનસુખ માંડવિયાની પ્રતિક્રિયા, “શરમજનક જ નહિ દયનીય…

લોકસભા પછી રાજ્ય સભામાં પણ ખેલકૂદ ખરડો પસાર થઈ ગયા પછી માંડવિયાએ કહ્યું હતું કે ` સરકાર હવે ચંદ્રકોને લગતો નવો વ્યૂહ રચવા પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જેથી આંતરરાષ્ટ્રીય ફલક પરની સ્પર્ધાઓમાં ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓના પર્ફોર્મન્સમાં વ્યાપક સ્તરે અને મોટા પ્રમાણમાં સુધારો લાવી શકાય.’

મહિલાઓની દોડમાં ભારતીય લેજન્ડ પી. ટી. ઉષા જેઓ ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશનના પ્રમુખ છે તેમણે તેમ જ નૅશનલ ફેડરેશનોએ ખેલકૂદ ખરડાને યોગ્ય દિશામાં ભરવામાં આવેલા પગલાં તરીકે ઓળખાવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button