નેશનલ

POKમાં માર્યો ગયો ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, મસ્જિદમાં ગોળી મારીને હત્યા

શ્રીનગરઃ શુક્રવારે પાકિસ્તાન કબજા હેઠળનુ કાશ્મીર (પીઓકે) માં એક મસ્જિદની અંદર અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ભારતમાં વોન્ટેડ આતંકવાદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે સરહદ પારથી કાર્યરત ટોચના આતંકવાદી કમાન્ડરની આ ચોથી હત્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો રિયાઝ અહેમદ ઉર્ફે અબુ કાસિમ પહેલી જાન્યુઆરીએ થયેલા ધાંગરી આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો.

સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં થયેલા આતંકવાદી હુમલા અને અંધાધૂંધ ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. આતંકવાદીઓ વિસ્ફોટકો પણ પાછળ છોડી ગયા હતા, જેમાં બીજા દિવસે સવારે વિસ્ફોટ થયો હતો. મૂળ જમ્મુ ક્ષેત્રનો રહેવાસી અહેમદ 1999માં સરહદ પારથી ઘૂસણખોરી કરી આવ્યો હતો. પૂંચ અને રાજૌરીના સરહદી જિલ્લાઓમાં આતંકવાદના ઉદગમ પાછળ તેનો જ હાથ હોવાનું માનવામાં આવે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાવલકોટ વિસ્તારમાં અલ-કુદુસ મસ્જિદની અંદર સવારની નમાજ દરમિયાન અજાણ્યા બંદૂકધારીઓએ અહેમદની ગોળી મારીને હત્યા કરી હતી. અહેમદ મોટાભાગે મુરીડકેમાં લશ્કર-એ-તૈયબાના બેઝ કેમ્પમાંથી ઓપરેટ કરતો હતો, પરંતુ તાજેતરમાં તેને રાવલકોટ ખસેડવામાં આવ્યો હતો. તે લશ્કર-એ-તૈયબાના મુખ્ય કમાન્ડર સજ્જાદ જટનો નજીકનો સહયોગી હતો અને તે સંગઠનની નાણાકીય બાબતોનું પણ ધ્યાન રાખતો હતો. તે પાકિસ્તાનથી કાર્યરત વિવિધ આતંકવાદી સંગઠનોનો ચોથો ટોચનો કમાન્ડર હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button