ઓપરેશન સિંદૂર: ભારતના સ્વદેશી હથિયારોએ ચીન-તુર્કીના શસ્ત્રોને પણ ધૂળ ચટાડી!

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો અને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાનની છત્રછાયામાં ઉછરેલા આતંકીઓને પાઠ ભણાવ્યો હતો. તો આ સાથે ભારતે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. જો કે પાકિસ્તાને ભારતની સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા માટે તેના મિત્ર રાષ્ટ્ર તુર્કી અને ચીનનાં હથિયારનો સહારો લીધો પરંતુ ભારતની સામે તેના તમામ હથિયારોનો નિષ્ફળ રહ્યા હતા.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને મળેલી સફળતાની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ મોટો ખુલાસો કર્યો છે. આ મુજબ, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ ઓપરેશન સિંદૂરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સ્થિતિમાં ઓપરેશન સિંદૂર ભારતીય લશ્કરી કામગીરીમાં ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા તરફ એક સીમાચિહ્નરૂપ બની રહ્યું. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આ કાર્યવાહીને ચોક્કસ અને વ્યૂહાત્મક રીતે અંજામ આપ્યો હતો.
ચીન અને તુર્કીનાં શસ્ત્રો પણ રહ્યા નિષ્ફળ
પીઆઇબીએ જણાવેલી વિગતો અનુસાર, ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ચીન દ્વારા પૂરા પાડવામાં આવેલા એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી હતી. ભારતે માત્ર 23 મિનિટનાં જ સમયમાં આ મિશનને પૂર્ણ કરીને તકનીકી શ્રેષ્ઠતા પણ હાંસલ કરી હતી. આ મિશન દરમિયાન ભારતે ચીનની પીએલ-15 મિસાઇલ, તુર્કીના ડ્રોન જેને યિહા અથવા યીહાવ કહેવામાં આવે છે, લાંબા અંતરના રોકેટ, ક્વાડકોપ્ટર અને કોમર્શિયલ ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યા હતા. પાકિસ્તાને વિદેશમાં બનેલા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેની સામે ભારતની સ્વદેશી વાયુ સંરક્ષણ પ્રણાલી અને ઇલેક્ટ્રોનિક વોર નેટવર્ક વધુ અસરકારક સાબિત થયા હતા.
ઇસરોનું પણ મહત્વપૂર્ણ પ્રદાન
પીઆઇબી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. 11 મેના રોજ એક કાર્યક્રમમાં ઇસરોના વડા વી. નારાયનને જણાવ્યું હતું કે દેશના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10 જેટલા ઉપગ્રહો સતત 24 કલાક કાર્યરત છે. આ ઉપગ્રહોએ 7,000 કિમી લાંબા દરિયાકાંઠા અને સમગ્ર ઉત્તરીય વિસ્તાર પર સતત નજર રાખી હતી.
આ હથિયારોનો કર્યો ઉપયોગ
ભારતે ઓપરેશન સિંદૂરમાં પિકોરા, OSA-AK, LLAD ગન અને આકાશ મિસાઇલ જેવી સ્વદેશી વાયુ સંરક્ષણ પ્રણાલીઓનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આકાશ એક ટૂંકી રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ પ્રણાલી છે, જે હવાઈ હુમલાઓથી સંવેદનશીલ વિસ્તારોનું રક્ષણ કરે છે. આકાશ હથિયાર પ્રણાલી ગ્રુપ મોડ અથવા ઓટો મોડમાં એક સાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે અને તેને મોબાઇલ પ્લેટફોર્મ પર એકીકૃત કરવામાં આવી છે.
ભારતની સંપતિને નથી થયું કોઇ નુકસાન
પાકિસ્તાનનાં ખોટા દાવાઓને ખોટા સાબિત કરતાં પીઆઇબીએ એ સ્પષ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ થયેલા હુમલાઓમાં ભારતીય સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. આ આપણી દેખરેખ, યોજના અને વિતરણ પ્રણાલીઓની અસરકારકતાને દર્શાવે છે. લાંબા અંતરના ડ્રોનથી લઈને ગાઇડેડ યુદ્ધ સામગ્રી સુધી, આધુનિક સ્વદેશી તકનીકના ઉપયોગે આ હુમલાઓને અત્યંત અસરકારક બનાવ્યા હતા.
2030 સુધીમાં ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવાનું લક્ષ્ય
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત પીઆઇબીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરથી ભારતે સ્વદેશી સંરક્ષણ તકનીકમાં મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ભારતે સ્વદેશી સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન ઉત્પાદનનું કાર્ય પણ ઝડપી બનાવી દીધું છે અને ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા (DFI)એ 2030 સુધીમાં ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.