નવી દિલ્હી: ભારતીયોની આવકનો મોટો ભાગ મેડિકલ બિલ પર ખર્ચ થાય છે. દેશમાં આ વર્ષે મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા પર કાતર ફેરવી છે. વધી રહેલા મેડિકલ બિલોએ લોકોને મોટા આર્થિક સંકટમાં મૂક્યા છે. જો આપણે એશિયાની વાત કરીએ તો તેમાં આરોગ્યને લગતાં ખર્ચાઓનો મોંઘવારી દર ભારતમાં સૌથી વધુ છે. કોર્પોરેટ ઇન્ડિયા હેલ્થ રિપોર્ટ 2023 મુજબ ભારતમાં આરોગ્ય સેવાનો મોંઘવારી દર 14 ટકા પર પહોંચ્યો છે. આવી પરિસ્થિતીમાં દેશના સામાન્ય લોકો પર મેડિકલ કોસ્ટનો બોજો સતત વધી રહ્યો છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ વધી રહેલા ઓરોગ્ય ખર્ચાઓને કારણે કર્મચારીઓ પર આર્થિક બોજો વધી રહ્યો છે. આ રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે દેશના 71 ટકા કર્મચારીઓ મોડિકલ બિલ જાતે જ ભરે છે. માત્ર 15 ટકા કંપની તેમના કર્મચારીઓને હેલ્થ કવર આપે છે. વધી રહેલ મેડિકલ કોસ્ટને કારણે 9 ટકાથી વધુ ભારતીયોના જીવન પર મોટો પરિણમા થયો છે. તેમની આવકના 10 ટકાથી વધુ રકમ બિમારીની સારવાર પર ખર્ચ થતો હોવાનું આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે.
આ અગાઉ નીતિ આયોગે તેમના એક અહેવાલમાં કહ્યું હતું કે, 2030માં દેશમાં નોકરીયાત વર્ગની સંખ્યા 56.9 કરોડ થશે. જ્યારે 2022માં તેની સંખ્યા માત્ર 52.2 કરોડ હતી. આવી પરિસ્થિતીમાં નોકરીયાત વર્ગની સંખ્યા સતત વધતી હોવા છતાં દેશમાં હેલ્થ કવરમાં વધારો થઇ રહ્યો નથી. આ ખરેખર ચિંતાજનક વાત છે.
20 થી 30ની એજગ્રુપના યુવાનોમાં કંપની તરફથી અપાતી હેલ્થ કવર સુવિધા બાબતની જાગૃતતા ખૂબ જ ઓછી છે. જ્યારે 51થી વધુ ઉંમરના લોકો વધુ માત્રામાં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદે છે એમ આ અહેવાલમાં જાણવા મળ્યું છે. ઉપરાંત 42 ટકા લોકોએ એ પણ માન્યુ છે કે કંપની દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ કર્મચારીઓ માટે અનુકૂળ હોવો જોઇએ. આ અહેવાલમાં એ પણ જાણવા મળ્યું છે કે ભારતમાં કામ કરતાં માત્ર 15 કંપનીઓ જ તેમને હેલ્થ કવર અને ટેલિહેલ્થ જેવી સુવિધાઓ આપે છે.
એક અહેવાલ મુજબ માત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ જ નહીં પણ દેશના લોકો હેલ્થ ચેકઅપમાં પણ પાછળ જ છે. દેશમાં 59 ટકા લોકો છે જેમની વાર્ષિક આરોગ્ય તપાસ થતી નથી. એવા 90 ટકા લોકો છે જેઓ પોતાના આરોગ્ય તરફ ધ્યાન આપતા નથી.
Taboola Feed