ભારતની સંરક્ષણ ક્ષેત્રે વૈશ્ર્વિક ભૂમિકા મહત્ત્વની બની છે: મોદી

દિવાળી: હિમાચલ પ્રદેશના લેપચા ખાતે રવિવારે સલામતી દળોના જવાનોની સાથે દિવાળી ઊજવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ)
લેપચા (હિમાચલ પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિવાળી નિમિત્તે અહીં સૈનિકોની સાથે ઉજવણી કરતી વખતે જણાવ્યું હતું કે ભારતની સંરક્ષણ ક્ષેત્રે વૈશ્ર્વિક ભૂમિકા મહત્ત્વની બની રહી છે અને ભારતના સૈનિકોની ક્ષમતામાં સતત વધારો થઇ રહ્યો છે.
મોદીએ સરહદ પર પહેરો ભરી રહેલા જવાનોને જણાવ્યું હતું કે સલામતી દળોની ચોકીઓ મંદિરો જેટલી જ પવિત્ર અને મહત્ત્વની છે. સરહદ પરના સૈનિકો દેશનું ઢાલ બનીને રક્ષણ કરી રહ્યા છે. ‘પરિવાર’ જ્યાં હોય ત્યાં જ ‘પર્વ’ હોય, એવું કહેવાય છે, પરંતુ સૈનિકો પોતાની ફરજ નિભાવવા અને દેશના રક્ષણ માટે પરિવારથી દૂર રહે છે.
તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન નહોતો ત્યારથી એટલે કે અંદાજે છેલ્લાં ૩૦થી ૩૫ વર્ષથી સૈનિકોની સાથે દિવાળી મનાવું છું. ધરતીકંપ સહિતની કુદરતી આફત વખતે પણ સૈનિકો રાહત અને બચાવ કામગીરીમાં અગત્યની ભૂમિકા ભજવે છે. દેશના બધા લોકોને સૈનિકોની બહાદુરી અને સેવા બદલ ગર્વ છે.
વડા પ્રધાને ઇન્ડો – તિબેટિયન બોર્ડર પોલીસના ગણવેશ પહેર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે બધા સૈનિકોની સલામતી માટે એક દીવો પ્રગટાવીશું અને તમારા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરીશું. દેશના સૈનિકો સરહદ પર હિમાલયની જેમ અડીખમ ઊભા રહીને દેશનું રક્ષણ કરી રહ્યા છે. આપણા જવાનોએ અનેક યુદ્ધ જીત્યા છે અને દરેક પડકારનો સામનો કરીને વિજય મેળવ્યો છે.
મોદીએ જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ તુર્કીના ભૂકંપ વખતે પણ સારી બચાવ અને રાહત કામગીરી બજાવી હતી. દુનિયામાં ક્યાંય પણ ભારતીયો જોખમમાં હોય, તો તેઓને ઉગારવા માટે ભારતીય સૈનિકો પહોંચી જાય છે.
મોદી ઘણાં વર્ષોથી સરહદ પર સૈનિકો સાથે દિવાળી ઊજવે છે. તેમણે ૨૦૧૬માં ચીનની સીમા નજીક સુમદોહ ખાતે ઇન્ડો – તિબેટિયન બોર્ડર પોલીસ, ડોગરા સ્કાઉટ્સ અને સૈનિકો સાથે, ૨૦૧૭માં ઉત્તર કાશ્મીરમાં ગુરેઝ ક્ષેત્રમાં, ૨૦૧૮માં ઉત્તરાખંડના હરસીલ ખાતે, ૨૦૨૦માં જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં, ૨૦૨૧માં નવશેરામાં લોંગેવાલા ચોકી ખાતે દિવાળી સૈનિકોની સાથે ઊજવી હતી. (એજન્સી)