વૈશ્ર્વિક વૃદ્ધિદરમાં ભારતનું યોગદાન ૧૬ ટકા કરતા વધુ
વૉશિંગ્ટન: ડિજિટલાઈઝેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધા) જેવા ચાવીરૂપ ક્ષેત્રમાં કરવામાં આવેલા આર્થિક સુધારાઓને કારણે દેશનું અર્થતંત્ર તંદુરસ્ત દરે વિકાસ પામી રહ્યું હોવાની સાથે સાથે ભારત વૈશ્ર્વિક સ્તરે સ્ટાર પર્ફોર્મર તરીકે ઊભરી રહ્યું છે અને વૈશ્ર્વિક વૃદ્ધિદરમાં ભારતનું યોગદાન ૧૬ ટકા કરતા વધુ હોવાનું ઈન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઈએમએફ)એ સોમવારે કહ્યું હતું.
છેલ્લાં કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ભારતનું અર્થતંત્ર તંદુરસ્ત વિકાસદરે વૃદ્ધિ પામી રહ્યું છે. વાસ્તવિક વિકાસદરને મામલે અન્ય દેશોની સાથે સરખામણી કરીએ તો ભારત સ્ટાર પર્ફોર્મર તરીકે ઊભરી રહ્યું છે. ભારત વિશ્ર્વનું સૌથી ઝડપથી વિકસી રહેલું બજાર બની રહ્યું છે અને વૈશ્ર્વિક વૃદ્ધિદરમાં ભારતનું યોગદાન ૧૬ ટકા કરતા પણ વધુ હોવાનું આઈએમએફના નાડા ચૌઈરીએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
આ વરસે ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઊભરી રહ્યું હોવાનું આઈએમએફ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
ભારત સરકારે ડિજિટલાઈઝેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધા) જેવા ચાવીરૂપ ક્ષેત્રમાં અનેક મહત્ત્વના સુધારા કર્યા છે જેને કારણે ભારતની ઉત્પાદન ક્ષમતામાં ઉલ્લેખનીય વધારો થયો હોવા ઉપરાંત ભવિષ્યમાં વૃદ્ધિદર પણ મજબૂત રહેવાની શક્યતા છે, એમ આઈએમએફના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારી બાદ ભારતના અર્થતંત્રએ હનુમાન કુદકો માર્યો છે અને વૈશ્ર્વિક અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકામાં આવી ગયું છે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી)