ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ફફડાટઃ “આતંકિસ્તાન” કેટલા મોરચે લડશે?

ઇસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત સરકારે આતંકવાદ સામે આક્રમક પગલા ભરવાને કારણે હવે આતંકવાદીઓને પોષનારા પાકિસ્તાન ચારેય બાજુથી બરાબર ઘેરાયું છે. પાકિસ્તાનની આતંકવાદીઓને પોષવાની નીતિ (આતંકિસ્તાન)ને કારણે પોતાના દેશમાં મોટું નુકસાન વહોરી લીધું છે ત્યારે આ વખતે ભારતના કાશ્મીરમાં આતંકવાદી હુમલાને કારણે ભારતે સિંધુ જળ સમજૂતી અટકાવવા, વિઝા બંધ, એરસ્પેસ બંધ કરવાની સાથે અનેક બાબતે પાકિસ્તાન સંકટમાં આવ્યું છે. ભારતે યુદ્ધ કર્યા પહેલા “આતંકિસ્તાન”ની ઊંઘ હરામ થઈ છે, જેમાં ચીન, તુર્કેય સિવાય કોઈ દેશે જાહેરમાં પાકિસ્તાનને સમર્થન આપ્યું નથી. ભારતના મોરચે જ્યારે લડાઈ થશે ત્યારે પણ હાલમાં પાકિસ્તાનમાં ડરનો માહોલ ઊભો થયો છે.
પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ
ભારત સિવાય “આતંકીસ્તાન”માં ગૃહ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. સિંધથી લઈને બલુચિસ્તાન અને ગિલગીટ અને બાલ્ટિસ્તાનમાં લોકોએ બળવો પોકાર્યો છે. આ અગાઉ બલુચિસ્તાનમાં લોકોએ રાતોરાત બળવો પોકારીને પાકિસ્તાનના 100 જવાનની હત્યા કર્યાનો દાવો કર્યો હતો. સિંધ પ્રાંતમાં પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પુરવઠા પર અસર પડી છે. ઉત્પાદનમાં ખેંચ ઉભી થવાને કારણે લોકો રસ્તા પર આવીને પ્રદર્શન કર્યા હતા, જેથી પ્રશાસનને આ સ્થિતિ પર નિયત્રંણ લાવવામાં નાકે દમ આવ્યો હતો.
આ પણ વાંચો: ડર કે આગે જીત હૈઃ આતંકવાદીઓના સફાયા માટે ભારતના ‘ટાર્ગેટ’ કયા હશે?
કાસમોરે, ઘોટકે, સુક્કુર, ખેરપુર જિલ્લામાં જોરદાર પ્રદર્શોનો
ઠેરઠેર ફાટી નીકળેલા તોફાન અને પ્રદર્શનોમાં આમ જનતાની સાથે શિક્ષિત વકીલો, ડોક્ટર અને રાષ્ટ્રવાદી પાર્ટીઓ એ પણ ભાગ લીધો છે. કાસમોરે, ઘોટકે, સુક્કુર, ખેરપુર જિલ્લાના રસ્તાઓ પર પ્રદર્શનો ને કારણે અનેક ટ્રક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ફસાઈ ગઈ છે.
ગિલગીટ અને બાલ્ટિસ્તાનમાં પણ ઉગ્ર પ્રદર્શનો
ગિલગીટ અને બાલ્ટિસ્તાનમાં પણ ભૂ માફીયાઓને કારણે જાહેર જનતા રસ્તાઓ પર આવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રવિવારે હજારો નાગરિકોએ ખનીજ અને સરકારી જમીન પચાવી પાડનારા વિરુદ્ધ બળવો પોકારીને સરકારની ઊંઘ હરામ કરી હતી. લોકોએ સરકારના માઇન્સ એન્ડ મિનરલ્સ બિલનો સખત વિરોધ વ્યક્ત કરીને પ્રદર્શન કર્યું હતું. સરકાર આ બિલ લાવીને લોકોની જમીન હડપ કરવાની શાહબાઝ સરકાર નીતિને વખોડી નાખી હતી.
પાકિસ્તાનના કબજા હેઠળના મદરેસા 10 દિવસ બંધ
ભારતના સંભવિત હુમલાના ડરને કારણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના મદરેસા 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે સરકાર આ મુદ્દે બચાવ કરે છે કે ભયાનક ગરમીને કારણે સ્કૂલમાં 10 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુલામ કાશ્મીરમાં 445 મદ્રેસામાં 26,000થી વધુ બાળકો અભ્યાસ કરતા હોવાનો એક અંદાજ છે.
ખૈબર પખ્તુનખ્વાના 29 જિલ્લામાં સાયરન સિસ્ટમ સ્થાપિત
ભારત તરફથી સંભવિત હુમલાના ડરથી, પાકિસ્તાન હવાઈ હુમલા અથવા અન્ય કટોકટીની સ્થિતિમાં તેના નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન સિસ્ટમ્સ લગાવી છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના 29 જિલ્લાઓમાં આધુનિક ઇલેક્ટ્રિક સાયરન સિસ્ટમ સ્થાપિત થવા જઈ રહી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ખૈબર પખ્તુનખ્વાના બાજૌરમાં 1,122 ઇમારતોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય સ્થળોએ પણ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. સાયરનનો હેતુ હવાઈ હુમલાના કિસ્સામાં જનતાને સમયસર ચેતવણી આપવાનો છે, જેનાથી નાગરિકો સુરક્ષિત સ્થળોએ જઈ શકે.