વિરાટ કોહલીની સદી સાથે ભારતનો સતત ચોથો વિજય
પુણે: પુણેમાં રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. વર્લ્ડકપમાં ભારતની આ સતત ચોથી જીત છે. ટીમ ઇન્ડિયાની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી અને પોતાની સદી પણ પૂરી કરી હતી. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું હતું.
વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં પોતાની ૪૮મી સદી ફટકારી હતી. ભારતે ૨૫૭ રનનો ટાર્ગેટ ૪૧.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાને ૨૫૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ૪૧.૩ ઓવરમાં ૩ વિકેટે ૨૬૧ રન કરીને મેચ જીતી લીધી હતી. ભારત માટે ઓપનર રોહિત શર્મા અને શુભમન
ગિલે પ્રથમ વિકેટ માટે ૮૮ રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા ૪૮ રન કરી પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગીલ ૫૫ બોલમાં ૫૩ રન કરીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. કોહલીએ ૯૭ બોલમાં ૧૦૩ રન કરીને અણનમ પરત ફર્યો હતો. જોકે, શ્રેયસ માત્ર ૧૯ રન કરી આઉટ થયો હતો. આ સિવાય કેએલ રાહુલ ૩૪ રન કરી નોટઆઉટ રહ્યો હતો.
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બંગલાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બંગલાદેશે આઠ વિકેટ ગુમાવીને ૨૫૬ રન કર્યા હતા. બંગલાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ ૬૬ રન કર્યા હતા. જ્યારે તંજીદ હસને ૫૧ અને મહમુદુલ્લાહે ૪૬ રનની ઇનિંગ રમી હતી. તે સિવાય મુશ્ફિકુર રહીમે ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.
તંજીદ હસન અને લિટન દાસે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં ૬૩ રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન નજમુલ આઠ રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. રહીમ ૩૮ , મહમુદુલ્લાહ ૪૬ રન કરી આઉટ થયા હતી. બોલિંગ દરમિયાન હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો હતો અને તેની ઓવરના ત્રણ બોલ ફેંકી વિરાટ કોહલીએ ઓવર પુરી કરી હતી.