નેશનલ

આ દેશમાં જવા માટે તમારે એક મહિના સુધી વિઝાની જરૂર નહી પડે….

જો તમે થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છો તો પહેલા આજના આ ન્યૂઝ ખાસ તમારા માટે છે, ભારતીયોને આગામી 6 મહિના સુધી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈ ટુરીઝમ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 10 નવેમ્બર 2023 થી 10 મે 2024 સુધી વિઝા વગર થાઈલેન્ડ જઈ શકાય છે. આ સમય દરમિયાન પ્રવાસીઓ 30 દિવસ સુધી ત્યાં રહી શકે છે. થાઈ ટુરિઝમે ખાસ ભારત અને તાઈવાનના નાગરિકોને આ સુવિધા પૂરી પાડી છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં થાઈલેન્ડે ચીની પ્રવાસીઓ માટે પણ આ સુવિધા આપી હતી.

થાઈલેન્ડ પહેલા શ્રીલંકાએ પણ 31 માર્ચ 2024 સુધી ભારતીય પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી હતી. જો કે શ્રીલંકાએ ભારત, ચીન અને રશિયા સહિત 7 દેશોના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. કોરોના સમયગાળા બાદ ઘણા દેશો ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે પોતપોતાની રીતે સુવિધાઓ આપી રહ્યા છે.


નોંધનીય છે કે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડ જાય છે. અત્યાર સુધી થાઇલેન્ડમાં મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પછી સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવ્યા છે. સરકારના આંકડા પ્રમાણે ભારતમાંથી 12 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ ગયા છે. તેમજ વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2011માં 1.4 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો. તેમજ વર્ષ 2019માં વધીને 2.7 કરોડ થયો હતો. આ પછી કોરોનાનો સમયગાળો આવ્યો. તેમ છતાં વર્ષ 2022માં 2.1 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો.


કેન્દ્રીય પર્યટન મંત્રાલયના આંકડા મુજબ ગયા વર્ષે સૌથી વધુ એટલે કે લગભગ 59 લાખ ભારતીયોએ યુએઇનો પ્રવાસ કર્યો હતો. જ્યારે 24 લાખ ભારતીયોએ સાઉદી અરેબિયા અને 17 લાખ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. જો સિંગાપોરની વાત કરીએ તો 9.9 લાખ ભારતીયો સિંગાપોર ગયા હતા.


જ્યારે 9.3 લાખ ભારતીયો થાઈલેન્ડ ગયા હતા. 9.2 લાખ ભારતીયોએ ઈંગ્લેન્ડ અને 8.7 લાખ લોકોએ કતારનો પ્રવાસ કર્યો હતો. 8.3 લાખ ભારતીયોએ કુવૈત, 7.7 લાખ કેનેડા અને 7.2 લાખ ઓમાન ગયા હતા. આમ જોઇએ તો ભારતીયો પ્રવાસ કરવામાં અન્ય દેશોની સરખામણીએ સૌથી આગળ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button