જાપાનને હરાવીને ભારતીય મહિલા હોકી ટીમ બની એશિયન ચેમ્પિયન
વિજયનો આનંદ: રાંચીસ્થિત મારાન્ગ ગોમકે જયપાલસિંહ એસ્ટ્રો ટર્ફ હોકી સ્ટેડિયમ ખાતે રવિવારે વુમન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૩ની જાપાન સામેની સેમિફાઈનલમાં વિજય મેળવ્યા બાદ ટ્રોફી સાથે તસવીર ખેંચાવી રહેલા ભારતીય ખેલાડીઓ. (એજન્સી)
રાંચી: ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનું ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલ મેચમાં જાપાનને ૪-૦થી હરાવીને ચેમ્પિયન બની હતી. ભારતે બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું. આ પહેલા શનિવારે દેશની દીકરીઓએ એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને ૨-૦થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
નોંધનીય છે કે રવિવારે રાંચીના મારંગ ગોમકે સ્થિત જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ હતી. જીત બાદ હોકી ઈન્ડિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી કે દરેક ખેલાડીને ઈનામ તરીકે ૩ લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ૧.૫ લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.
ભારત તરફથી સંગીતા કુમારી (૧૭મી મિનિટ), નેહા (૪૬મી મિનિટ), લાલરેમસિયામી (૫૭મી મિનિટ) અને વંદના કટારિયા (૬૦મી મિનિટ)એ ગોલ કર્યા હતા. કૃત્રિમ લાઇટિંગના કારણે મેચ ૫૦ મિનિટ મોડી શરૂ થઈ હતી. શરૂઆતના ક્વાર્ટરમાં ભારતે બોલ પર કબજો જાળવી રાખ્યો હતો. જાપાન પણ જોરદાર પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ ભારતીય ગોલકીપર સવિતા પૂનિયાએ જાપાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. પ્રથમ હાફના અંત સુધીમાં જાપાને અનેક પેનલ્ટી શૂટઆઉટ કર્યા હતા, પરંતુ સવિતાએ ટીમ સાથે મળીને તમામ પેનલ્ટી નિષ્ફળ કરી અને ગોલ થતા બચાવ્યો હતો.
ભારતે ત્રીજા ક્વાર્ટરમાં બીજો ગોલ કર્યો હતો. આ પછી લાલરેમસિયામી અને વંદના કટારિયાએ છેલ્લી ક્ષણોમાં વધુ બે ગોલ કર્યા જેણે ભારતની જીત સુનિશ્ર્ચિત કરી હતી. ભારતીય મહિલા હોકી ટીમના કોચ જેનેકે શોપમેને કહ્યું હતું કે અમને ફાઇનલમાં ૪-૦થી જીતની આશા નહોતી. અમે ખૂબ જ ખુશ છીએ. મેચ જોવા આવેલા ચાહકોએ ટીમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. અમને ઘણી મદદ કરી હતી. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પૂનિયાએ કહ્યું કે તે ખૂબ જ સારું લાગે છે. જાપાન ખૂબ જ સારું રમ્યું. હાફ ટાઈમમાં અમે માત્ર એક જ વાત કરી હતી કે અમારે આક્રમક રીતે રમવું પડશે.
નોંધનીય છે કે ભારતે આ પહેલા ૨૦૧૬માં સિંગાપોરમાં પ્રથમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યુ હતું. જ્યારે, જાપાન ૨૦૧૩ અને ૨૦૨૧નું વિજેતા છે.