ચીન અને વિયેટનામ પર લગાવાયેલા અમેરિકાના ટેરિફનો લાભ લેવા ભારતીય રમકડાં ઉદ્યોગ તત્પર…

નવી દિલ્હી: ભારતીય રમકડા ઉદ્યોગ ચીન અને વિયેતનામ જેવા પ્રતિસ્પર્ધા પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફનો લાભ લેવા માટે તૈયાર છે, અને રમકડાની સ્થાનિક કંપનીઓએ ક્ષમતા વિસ્તરણ અને વૈશ્વિક કંપનીઓ સાથે સંયુક્ત સાહસો શરૂ કરવા પર કામ શરૂ કરી દીધું છે, એમ નિકાસકારોએ જણાવ્યું હતું.
તાજેતરમાં અમેરિકા દ્ધારા ટેરિફ વધારામાં ભારત વિજેતા તરીકે ઉભરી આવ્યું છે, કારણ કે નિકાસકારો પ્રતિસ્પર્ધી દેશોની તુલનામાં અસરને પહોંચી વળવામાં સક્ષમ છે. જે અમેરિકામાં વધુ આયાત ડ્યુટીનો સામનો કરી રહ્યા છે.
જ્યારે અમેરિકાએ ભારત પર વધારાની 26 ટકા આયાત ડ્યુટી લાદી છે, ત્યારે તેના હરીફ વિયેટનામ 46 ટકા, બાંગ્લાદેશ 37 ટકા, ચીન 54 ટકા, ઇન્ડોનેશિયા 32 ટકા અને થાઇલેન્ડ 36 ટકા ટેરિફનો સામનો કરી રહ્યા છે.
પ્લેગ્રો ટોય ઈન્ડિયાના સીઇઓ મનુ ગુપ્તાએ કહ્યું હતું કે “આપણા નિકાસકારો માટે હવે વિશાળ તકો છે. વિયેતનામની નિકાસ લગભગ 6 અબજ ડોલર અને ચીનનો 80 અબજ ડોલર છે. હવે તેમની વસ્તુઓ પર ભારતીય રમકડાં કરતાં અમેરિકામાં વધુ ટેરિફ લાગશે.
બધી મોટી રમકડાં કંપનીઓ ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે તકો શોધી રહી છે. ઉદ્યોગના મતે છેલ્લા ત્રણ વર્ષથી ભારતની રમકડાંની નિકાસ 326 મિલિયન ડોલરથી 348 મિલિયન ડોલરની વચ્ચે છે. તેમણે કહ્યું કે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર જલદી થવા પર રમકડાની ભારતીય કંપનીઓને શિપમેન્ટ વધારવામાં પણ મદદ મળશે.
ગુપ્તાએ કહ્યું હતું કે કેન્દ્રની સાથે હવે રાજ્યો પણ રોકાણ આકર્ષવા માટે ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓ બનાવી રહ્યા છે. મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, હરિયાણા અને બિહાર જેવા રાજ્યો અમારા માટે તેમની નીતિઓ સાથે આગળ આવી રહ્યા છે. ટોચની લાકડાના અને સોફ્ટ રમકડાંની વૈશ્વિક કંપનીઓ ઉત્પાદન માટે સ્થાનિક કંપનીઓ સાથે હાથ મિલાવી રહી છે.
સનલોર્ડ ગ્રુપના પ્રમોટર અમિતાભ ખરબંદાએ જણાવ્યું હતું કે રમકડાં માટે રાષ્ટ્રીય કાર્ય યોજના માટેની બજેટ જાહેરાત આ ક્ષેત્રને વધુ મદદ કરશે. આ ક્ષેત્ર તેના સ્પર્ધકો પર વધુ ડ્યુટી લાદવાથી લાભ મેળવી શકે છે. અમેરિકા સાથેના વેપાર કરારથી પણ અમને મોટી મદદ મળશે. જોકે, તેમણે કહ્યું કે ભારતીય કંપનીઓએ શિપમેન્ટ વધારવા માટે આક્રમક રીતે તેમની ક્ષમતાઓ વધારવા પર ધ્યાન આપવું જોઈએ. સરકારના પગલાં જેમ કે ફરજિયાત ગુણવત્તા ધોરણો અને કસ્ટમ ડ્યુટીમાં વધારો, સ્થાનિક રમકડા ખેલાડીઓને ઉત્પાદન વધારવા અને ચીની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં નોંધપાત્ર મદદ કરી છે.
આ ઉદ્યોગ લાંબા સમયથી વૈશ્વિક વેપાર પરિદૃશ્યમાં પડકારોનો સામનો કરી રહ્યો છે, ઘણા વર્ષોથી સતત રમકડાં આયાત કરવામાં આવી રહ્યા છે. એક દાયકાથી વધુ સમયથી ભારત તેના રમકડાંની આયાતના લગભગ 76 ટકા માટે ચીન પર આધાર રાખે છે.
આપણ વાંચો : ટ્રમ્પનો ટેરિફ પ્લાન અમેરિકાને ભારે પડશે! અમેરિકનોએ ખરીદી માટે માર્કેટ માથે લીધું!