નેશનલ

છેલ્લી લીગ મેચમાં વિજય સાથે ભારતીય ટીમ અજેય

નેધરલેન્ડ્સને ૧૬૦ રનથી હરાવ્યું, નવેનવ મેચ જીતીને ભારતે ઈતિહાસ સર્જ્યો

બેંગલૂરુ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૪૫મી અને છેલ્લી લીગ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને ૧૬૦ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ગ્રુપ રાઉન્ડમાં પોતાની તમામ મેચ જીતી લીધી છે. તેણે તમામ નવ ટીમો સામે જીત મેળવી હતી. બેંગ્લૂરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૪૧૦ રન કર્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ ૪૭.૪ ઓવરમાં ૨૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ દિવાળીના દિવસે ચાહકોને જીતની ભેટ આપી હતી. શાનદાર ઇનિંગ બદલ શ્રેયસ ઐય્યરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

૪૧૧ના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે નેધરલેન્ડ્સને સારી શરૂઆત કરતા અટકાવ્યું અને બીજી ઓવરમાં વેસ્લી બર્રેસી (૦૪)ને આઉટ કર્યો હતો. જો કે આ પછી કોલિન એકરમેન અને મેક્સ ઓ’ડાઉડે ઇનિંગ સંભાળી અને બીજી વિકેટ માટે ૬૧ રનની ભાગીદારી કરી હતી. ૧૩મી ઓવરમાં કોલિન એકરમેન ૩૨ બોલમાં ૩૫ રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ ૧૬મી ઓવરમાં ૩૦ રનના અંગત સ્કોર પર જાડેજાએ મેક્સ ઓડાઉડને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.

વિરાટ કોહલીએ ૧૭ રને આઉટ થયેલા કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ ૩૨મી ઓવરમાં જસપ્રીત બુમરાહે પોતાના સુંદર યોર્કર વડે બાસ ડી લીડે (૧૨)ને બોલ્ડ કર્યો હતો. આ રીતે નેધરલેન્ડ્સે ૫ વિકેટ ગુમાવી દીધી હતી. એન્ગલબ્રેયટે ૪૫ રનની ઇનિંગ રમી હતી.નિદામાનુરુને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આઉટ કર્યો હતો.

ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ લીધી હતી. આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્માએ ૧-૧ સફળતા મેળવી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવીને ૪૧૦ રન કર્યા હતા. શ્રેયસ ઐય્યરે સૌથી વધુ અણનમ ૧૨૮ રન કર્યા હતા. લોકેશ રાહુલે ૧૦૨ રન કર્યા હતા. કેપ્ટન રોહિતે ૬૧ રન અને ગિલ-કોહલીએ ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં ભારતના પ્રથમ પાંચ બેટ્સમેનોએ ૫૦થી વધુ રન કર્યા હતા. લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરે ચોથી વિકેટ માટે ૨૦૮ રનની ભાગીદારી કરી હતી. આ વર્લ્ડ કપમાં ભારતનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલા ભારતે ૨૦૦૭માં બર્મુડા સામે ૪૧૩ રન કર્યા હતા. લોકેશ રાહુલે ૬૨ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને તે વિશ્ર્વ કપમાં દેશ માટે સૌથી ઝડપી સદી હતી. નેધરલેન્ડ્સ માટે બાસ ડી લીડે બે વિકેટ ઝડપી હતી. મીકરેન અને મર્વને એક-એક વિકેટ મળી હતી.

કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૭૧ બોલમાં ૧૦૦ રનની શાનદાર ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ૧૨મી ઓવરમાં શુભમન ગિલના આઉટ થયા બાદ તૂટી હતી. ગિલ ૩૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૫૧ રન કરી પાછો ફર્યો હતો. આ પછી ૧૮મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા બાસ ડી લીડેનો શિકાર બન્યો હતો. રોહિત ૫૪ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૬૧ રન કરીને આઉટ થયો હતો.

ત્યારબાદ ત્રીજી વિકેટ માટે શ્રેયસ ઐય્યર અને વિરાટ કોહલીએ ૭૧ રનની ભાગીદારી કરી, કોહલી ૫૬ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને વાન ડેર મર્વેનો શિકાર બન્યો હતો.
આ પછી નંબર ચાર શ્રેયસ ઐય્યર અને પાંચમા નંબર પર આવેલા કેએલ રાહુલે ચોથી વિકેટ માટે ૨૦૮ (૧૨૮ બોલ) રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન શ્રેયસ ૯૪ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૨૮ રન કરીને અણનમ રહ્યો હતો. જ્યારે કેએલ રાહુલે ૬૪ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૦૨ રન કર્યા હતા.

નેધરલેન્ડ્સ માટે લોગાન વેન બીકે ૧૦ ઓવરમાં ૧૦૭ રન આપ્યા હતા. આ સિવાય પોલ વાન મીકેરેને ૧૦ ઓવરમાં ૯૦ રન, બાસ ડી લીડે ૧૦ ઓવરમાં ૮૨ રન અને રોલોફ વાન ડેર મર્વે ૧૦ ઓવરમાં ૫૩ રન આપ્યા હતા. ટીમ તરફથી પોલ વાન મીકેરેન, રૂલોફ વાન ડેર મર્વે અને બાસ ડી લીડેએ ૧-૧ વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા