શિકાગોમાં એક સપ્તાહથી ગુમ ભારતીય વિદ્યાર્થી
અમેરિકાના શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી 2 મેથી ગુમ છે. 25 વર્ષીય માસ્ટર્સ સ્ટુડન્ટ રૂપેશ ચંદ્ર ચિંતકિંદીના ગુમ થવાથી તેના હૈદરાબાદ સ્થિત પરિવારને ચિંતા થઈ ગઈ છે અને તેઓ તેને શોધવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ANIના અહેવાલ મુજબ, શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને સ્થાનિક પોલીસ વિસ્કોન્સિનની કોનકોર્ડિયા યુનિવર્સિટીના માસ્ટરના વિદ્યાર્થી ચિંતકિંદીને શોધવાનો પ્રયાસ કરી રહી છે. શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે, “કોન્સ્યુલેટ એ જાણીને ખૂબ જ ચિંતિત છે કે ભારતીય વિદ્યાર્થી રૂપેશ ચંદ્ર ચિંતકિંદી 2 મેથી સંપર્કમાં નથી. દુતાવાસ રૂપેશ સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે,” એમ તેમણે કહ્યું હતું.
શિકાગો પોલીસે પણ આ મામલે લોકો પાસેથી મદદ માંગી છે અને 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને શોધવામાં મદદ કરી શકે તેવી કોઈપણ માહિતી હોય તો આપવા વિનંતી કરી છે. રૂપેશે 2 મેના રોજ તેના પિતા સાથે છેલ્લી વાત કરી હતી. “તેણે કહ્યું હતું કે તે કંઈક કામ કરી રહ્યો છે. પછીથી તેનો સંપર્ક થઇ શક્યો નથી, અને ત્યારથી તે ઑફલાઇન છે.” એમ રૂપેશના પિતાએ જણાવ્યું હતું. રૂપેશના રૂમમેટે જણાવ્યું હતું કે રૂપેશે એમ જણાવ્યું હતું કે તે ટેક્સાસના કોઈ વ્યક્તિને મળવા જઈ રહ્યો છે, પરંતુ તે વ્યક્તિ કોણ હતી તે વિશે રૂપેશે કંઇ જણાવ્યું નહોતું.
યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓના ગુમ થવાના અહેવાલો વધી રહ્યા છે. ગયા મહિને, ઓહાયોનો એક વિદ્યાર્થી, મોહમ્મદ અબ્દુલ અરફાથ, એક મહિનાથી ગુમ થયા બાદ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એક અઠવાડિયા પહેલા અન્ય એક ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈ ગડ્ડે ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.