
નિલેશ વાઘેલા
મુંબઇ: યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ભારતીય આયાત પર રશિયન ક્રૂૃડ ઓઇલની ખરીદીના દંડ પેટે પચ્ચીસ ટકાની વધારાની ટેરિફ લાગુ થયાના એક દિવસ પછી ગુરુવારે બેન્ક અને આઇટી શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધવાથી સેન્સેક્સ ૭૦૬ પોઈન્ટ ગબડ્યો હતા, જ્યારે નિફ્ટી ૨૪,૫૦૦ના સ્તરને માંડ જાળવી શક્યો હતો.
સેન્સેક્સ દિવસ દરમિયાન ૭૭૩.૫૨ પોઇન્ટના ઘટાડા સાથે ૮૦,૦૧૩.૦૨ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૭૦૫.૯૭ પોઈન્ટ અથવા ૦.૮૭ ટકા ઘટીને ૮૦,૦૮૦.૫૭ પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૧૧.૧૫ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકા ઘટીને ૨૪,૫૦૦.૯૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
નોંધવું રહ્યું કે, ઉક્ત ઘબડકાથી બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. ૪.૬૭ લાખ કરોડનો ઘટાડો થયો, જેના કારણે એક્સચેન્જનું કુલ મૂડીકરણ ઘટીને રૂ. ૪૪૫.૨૭ લાખ કરોડ થઈ ગયું હતું. બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૯.૬૯ કરોડનું ધોવાણ નોંધાયું છે.
આ પણ વાંચો: ભારતીય શેરબજારમાં ટ્રમ્પ ટેરિફની અસર, સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો
સેન્સેક્સ કંપનીઓમાં એચસીએલ ટેક, ઇન્ફોસીસ, પાવર ગ્રીડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેંક સૌથી વધુ ઘટનારા મુખ્ય શેરોમાં સામેલ હતા. જ્યારે ટાઇટન, લાર્સન અને ટૂબ્રો, મારુતિ સુઝુકી અને એક્સિસ બેંક ટોપ ગેઇનર્સમાં સામેલ હતા. ઇન્ડિગોનો ૩.૧ ટકા હિસ્સો રાકેશ ગંગવાલ અને ફેમિલી ટ્રસ્ટે રૂ. ૭૦૨૭ કરોડમાં બ્લોક ડીલ અંતર્ગત વેચ્યો છે.
ટ્રમ્પની પચાસ ટકા ટેરિફ લાગુ થવાને કારણે ટેક્સટાઇનલ, લેધર, જેમ્સ અને જ્વેલરીના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ, રેમન્ડ લાઇફસ્ટાઇલ, સિયારામ સિલ્કમિલ, વેલસ્પન લીવીંગ, ગોકલદાસ એક્સપોર્ટ ટ્રાઇડન્ટ, ઝેનીથ એક્સપોર્ટ, રિલેક્સો ફૂટવેર, સુપરહાઉસ, ખાદીમ, ઉદય જ્વેલરી, સેન્કો ગોલ્ડ, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી અને પીએન ગાડગીલનો સમાવેશ હતો.
આ પણ વાંચો: ભારતીય શેરબજારમાં ટ્રમ્પ ટેરિફ અમલની અસર, સેન્સેક્સ નિફ્ટીની ઘટાડા સાથે શરૂઆત
મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝના શેર તેના ઇશ્યૂ ભાવ સામે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયા હતા. બીએસઇ લિસ્ટેડ વેન્ટેજ નોલેજ અકેડેમી લિમિટેડે ભારતના ફાઇનાન્શિયલ એજ્યુકેશનમાં પરિવર્તનના હેતુથી ચાર્ટર્ડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર (સીજીઆઈબી) સર્ટિફિકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ફાઉન્ડેશને વિકસાવેલો આ ત્રણ સ્તરીય સર્ટિફિકેશન પ્રોગ્રામ છે, જે સંપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ શિક્ષણને આવરી લે છે. કંપનીએ મુંબઈ શેરબજારને આની જાણ કરી દીધી છે. અદાણીનો બાર મહિનાનો એબિટા રૂ. ૯૦,૫૭૨ કરોડ નોંધાયો છે.
ટેરિફ બજારને ઘટાડનારા સૌથી મોટું પરિબળ રહ્યું હતું, પરંતુ એફઆઇઆઇની એકધારી વેચવાલી નબળા વૈશ્વિક સંકેતોથી લઈને સતત વિદેશી ભંડોળના પ્રવાહ સુધીના અન્ય અવરોધોને કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. આ પરિબળોે વેચવાલીને તીવ્ર બનાવી હતી. બજારમાં જોકે એવી ચર્ચા પણ હતી કે અમેરિકાએ વધારાની પચીસ ટકા પેનલ્ટી સાથે કુલ પચાસ ટકા ટેરિફ ભલે લગાવી હોય, પરંતુ ભારતીય અર્થતંત્ર પર તેની ઝાઝી અસર નહીં જોવા મળે. એ ઉપરાંત નોમુરાના અંદાજ અનુસાર વિવિધ એક્ઝમ્પશન બાદ અસરકારક દર ૩૩.૬૦ ટકા જેવો રહેશે.