Uttarakhand માં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળી આવ્યો…
રૂરકીઃ દેશમાં હાલ રેલ્વે ટ્રેક પર અલગ અલગ વસ્તુઓ કે અવરોધો મૂકીને ટ્રેનો ઉથલાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હવે ઉત્તરાખંડના(Uttarakhand) રૂરકીમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ માલગાડીને ઉથલાવી દેવાના કાવતરાના ભાગરૂપે રેલ્વે ટ્રેક પર ગેસ સિલિન્ડર મૂકવામાં આવ્યો હતો. જે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યો હતો તેનો ઉપયોગ લશ્કરી સાધનો વહન કરતી માલસામાન ટ્રેનની અવરજવર માટે થવાનો હતો. લોકો પાયલોટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી
મળતી માહિતી મુજબ, રૂરકીના ધાનેરા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર LPG સિલિન્ડર મળી આવ્યું હતું. માલસામાન ટ્રેનના લોકો પાયલટે રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર જોઈને ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન રોકી. લોકો પાયલટે તરત જ મુરાદાબાદ સ્થિત રેલવે કંટ્રોલ રૂમના અધિકારીઓને જાણ કરી. આ માહિતી મળતાં જ રેલવે સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને પાટા પરથી ગેસ સિલિન્ડર હટાવ્યો. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અજાણ્યા લોકો સામે કેસ નોંધાયો
આરપીએફએ જણાવ્યું કે આ ઘટનાની જાણકારી મળ્યા બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે કર્મચારીઓએ ટ્રેક પર લગભગ પાંચ કિમી સુધી સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું.હજુ સુધી એ વાતની જાણકારી મળી નથી કે ગેસ સિલિન્ડર કોણે પાટા પર મૂક્યો હતો. ગેસ સિલિન્ડર ધાનેરા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર પાસે મૂકવામાં આવ્યો છે. અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આર્મી ટ્રેનોની અવરજવર છે
રેલવે ટ્રેક પર જ્યાં એલપીજી ગેસ સિલિન્ડર મળી આવ્યો હતો. બંગાળ એન્જીનીયરીંગ ગ્રુપ અને સેન્ટરનું મુખ્ય મથક પણ થોડે દૂર છે. આ સ્ટેશનથી સેનાની અવરજવર થતી રહે છે. અહીંથી સેનાના વાહનો અને સૈનિકો માલગાડીઓ મારફતે અન્ય ચોકીઓ પર જાય છે. સેના માટે અહીં એક અલગ રેલવે ટ્રેક પણ બનાવ્યો છે.