રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: આ તારીખથી UTS એપ થઈ જશે બંધ, હવે ‘RailOne’ થી થશે તમામ કામ!

નવી દિલ્હી: જો તમે રોજ શાળા, કોલેજ, ઓફિસ કે અન્ય કામ માટે રેલ્વેની મુસાફરી કરો છો, તો તમારા માટે આ ઉપયોગી અને મહત્વના સમાચાર છે, કારણ કે ભારતીય રેલવે દ્વારા UTS (Unreserved Ticketing System) મોબાઈલ એપની સેવાઓ હવે ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે તેવા અહેવાલો છે. તેના સ્થાને મુસાફરો હવે રેલવેની નવી સુપર એપ ‘RailOne’ નો ઉપયોગ કરી શકશે. રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિલીપ કુમારે આ બાબતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે લોન્ચ થયેલી ‘RailOne’ એપ વધુ યુઝર-ફ્રેન્ડલી છે અને તેમાં UTS એપની તમામ સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે.
ભારતીય રેલ્વેની નવી અને આધુનિક ‘RailOne’ એપ રેલવે મુસાફરો માટે વન-સ્ટોપ ડિજિટલ સોલ્યુશન તરીકે કામ કરશે. આ સિંગલ ઇન્ટરફેસ દ્વારા મુસાફરો જનરલ ટિકિટ, રિઝર્વ્ડ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકશે. આ ઉપરાંત, આ એપમાં IRCTC રેલ કનેક્ટ, NTES (નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ), રેલ મદદ અને ફૂડ ઓન ટ્રેક જેવી સેવાઓનું પણ સંકલન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, જે મુસાફરો પાસે જૂના RailConnect અથવા UTS ના લોગિન આઈડી છે, તેઓ તેનો ઉપયોગ આ નવી એપમાં પણ કરી શકશે.

ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે રેલવે દ્વારા ખાસ ઓફર પણ જાહેર કરવામાં આવી છે. ‘RailOne’ એપ દ્વારા જનરલ ટિકિટ બુક કરાવતા મુસાફરોને તમામ ડિજિટલ પેમેન્ટ મોડ્સ જેવા કે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ પર 3 ટકાનું સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજના 14 જાન્યુઆરી 2026 થી 14 જુલાઈ 2026 સુધીના છ મહિનાના સમયગાળા માટે અમલમાં રહેશે. આ ઉપરાંત, જે મુસાફરો R-Wallet દ્વારા ટિકિટ બુક કરશે, તેમને હાલમાં મળતો 3 ટકા બોનસ કેશબેકનો લાભ યથાવત રહેશે.



