રિઝર્વેશનની ટિકિટ Waitingમાં કઈ રીતે જઈ શકે, જાણો રેલવેએ શું આપ્યો જવાબ
નવી દિલ્હીઃ દેશની ‘લાઈફલાઈન’ ગણાતી ભારતીય રેલવેની ટ્રેનોમાં દરરોજ કરોડો પ્રવાસીઓ મુસાફરી કરે છે. તહેવારોના સમયે ટ્રેનોમાં સૌથી વધુ ભીડ હોય છે. આ ઉપરાંત લગ્નની સિઝનમાં પણ પ્રવાસીઓની સંખ્યા પણ વધારે હોય છે.
લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ તેમની સુવિધા માટે અગાઉથી ટ્રેનોમાં રિઝર્વેશન કરાવે છે. ઘણી વખત પ્રવાસીઓને કન્ફર્મ સીટ નહીં મળે તો તેમને આરએસી ટિકિટ આપવામાં આવે છે, પરંતુ શું તમને આરએસી ટિકિટ મળ્યા પછી તે વેઇટિંગ લિસ્ટ થઇ શકે છે? આ એક ગંભીર સમસ્યા છે, જેના અંગે એક પ્રવાસીએ સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ ચર્ચાનો વિષય બન્યો છે.
બુકિંગ વખતે ત્રણ પ્રકારે સીટની ફાળવણી
ટ્રેનમાં ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને ૩ રીતે સીટો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો ટ્રેનમાં સીટ ખાલી હોય તો તમને કન્ફર્મ ટિકિટ મળે છે. જો સીટ એક મર્યાદા સુધી ભરાઈ જાય તો પ્રવાસીઓને આરએસી (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ મળે છે, આરએસી ટિકિટમાં તમને આખી બર્થ મળતી નથી, પરંતુ તમે બેસીને મુસાફરી કરી શકો છો. આમ છતાં, જ્યારે ટ્રેનમાં સીટ ઉપલબ્ધ નથી હોતી ત્યારે મુસાફરોને વેઇટિંગ ટિકિટ મળે છે. વેઇટિંગ ટિકિટમાં તમને કોઈ પણ પ્રકારની સીટ મળતી નથી, પરંતુ જયારે કોઈ પણ પ્રવાસીને તેની કન્ફર્મ ટિકિટ કેન્સલ કરે છે, ત્યારે પેસેન્જરની વેઈટિંગ ટિકિટ અપડેટ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક થાય છે.
આ પણ વાંચો :જ્યારે એક ખેડૂત રેલવેની ભૂલને કારણે આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો…
આરએસીની ટિકિટ વેઈટિંગમાં ગઈ
કમલેશ શુક્લા નામના પ્રવાસીએ ૧૧ નવેમ્બરે પોતાની ટિકિટ અંગે રેલવેને ફરિયાદ કરી હતી. જ્યારે પ્રવાસીએ ટિકિટ બુક કરાવી હતી ત્યારે તેને આરએસી ટિકિટ મળી હતી પરંતુ જ્યારે તેણે ટિકિટનું વર્તમાન સ્ટેટસ ચેક કર્યું તો તેની આરએસી ટિકિટ વેઇટિંગમાં બદલાઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રેલવે પ્રશાસનને આ મામલે ફરિયાદ કરી હતી. કમલેશની ફરિયાદને ધ્યાનમાં લઈને રેલ્વેએ તેની સમસ્યાનું સમાધાન કર્યું.
ડેટા સિક્રોનાઈઝેશનને કારણે ઈશ્યૂ થઈ શકે
પ્રવાસીની ફરિયાદના જવાબમાં રેલવેએ જણાવ્યું હતું કે આવી સમસ્યાઓ સોફ્ટવેર અપડેટ, સર્વર ઇશ્યૂ અથવા ડેટા સિંક્રોનાઇઝેશનને કારણે ઊભી થઈ શકે છે અને આરએસી ટિકિટની વર્તમાન સ્થિતિ તપાસવા પર તે વેઇટિંગ ટિકિટ તરીકે જોવા મળે છે. જોકે, તેને પોતાની ભૂલ ગણીને રેલવેએ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. રેલવેએ તેના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે તેની ટેકનિકલ ટીમ આવી ખામીઓ સામે આવતાં જ તેને ઠીક કરી દે છે અને આ પ્રવાસીના કેસમાં પણ તેને ઠીક કરવામાં આવી હતી.