
નવી દિલ્હી: ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો ચાલુ રહેતા મુસાફરોની વધતી મુશ્કેલીઓ વચ્ચે ભારતીય રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. રેલવેના જણાવ્યા મુજબ, હવાઈ મુસાફરી ખોરવાઈ જવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ અચાનક રેલવે તરફ વળ્યા છે, જેને ધ્યાનમાં રાખીને દિલ્હીથી અનેક સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રેલવેએ કેટલીક હાલમાં કાર્યરત ટ્રેનોમાં પણ વધારાના કોચ જોડ્યા છે. દિલ્હીના વિવિધ સ્ટેશનો પરથી શનિવારે ઘણી સ્પેશિયલ ટ્રેનો તેમના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી.
રેલવે દ્વારા જાહેરાત કરાયેલી મુખ્ય સ્પેશિયલ ટ્રેનોમાં પૂણે – હઝરત નિઝામુદ્દીન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – હઝરત નિઝામુદ્દીન, નવી દિલ્હી – શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર, નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ અને હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ ટ્રેનોનો સમાવેશ થાય છે. પશ્ચિમી રેલવેએ પણ હાઈ-ડિમાન્ડવાળા 4 રૂટ પર ટ્રેનોમાં કોચની સંખ્યામાં વધારો કર્યો છે, જેનાથી દેશના પશ્ચિમી વિસ્તારોથી દિલ્હી સુધીની અવરજવર સરળ બનવાનો અંદાજ છે. ઉત્તર તરફની વાત કરીએ તો, વંદે ભારત સ્પેશિયલ ટ્રેન (02439/02440) નવી દિલ્હીથી શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર સ્ટેશન (જમ્મુ ક્ષેત્ર) માટે રવાના થઈ, જે 20 કોચ સાથે ઝડપી વિકલ્પ પૂરો પાડશે. જ્યારે ગોરખપુર – આનંદ વિહાર ટર્મિનલ સ્પેશિયલ ટ્રેન (05591/05592) 7 અને 9 ડિસેમ્બર વચ્ચે કુલ 4 ફેરા કરશે.
આ ઉપરાંત દેશના આર્થિક અને પશ્ચિમી ક્ષેત્રો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નવી દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ માટે સુપરફાસ્ટ સ્પેશિયલ (04002/04001) 6 ડિસેમ્બરે રવાના થઈ અને 7 ડિસેમ્બરે મુંબઈ સેન્ટ્રલથી પરત આવશે. ગુજરાત માટે સરાય રોહિલ્લાથી સાબરમતી માટે શનિવારે એક સ્પેશિયલ ટ્રેન રવાના થઈ, જે 7 ડિસેમ્બરે પરત ફરશે. પૂર્વી અને દક્ષિણી ભારત માટે પણ પગલાં લેવાયા છે; હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સ્પેશિયલ (04080) એકતરફી 6 ડિસેમ્બરે દક્ષિણ ભારત માટે ચાલશે, અને નવી દિલ્હીથી હાવડા માટે પણ 18 કોચવાળી સ્પેશિયલ ટ્રેન 6 ડિસેમ્બરે રવાના થઈ જે 8 ડિસેમ્બરે પરત ફરશે.
રેલવેએ હાલની નિયમિત ટ્રેનોમાં પણ મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને વધારાના કોચ જોડ્યા છે. નવી દિલ્હીથી જમ્મુ તવી જતી રાજધાની એક્સપ્રેસ (12425), ડિબ્રૂગઢ જતી ગાડી (12424) અને અમૃતસર શતાબ્દી એક્સપ્રેસ (12029)માં એક-એક થર્ડ ACના વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. પૂર્વી મધ્ય રેલવેએ પણ 6 થી 10 ડિસેમ્બર સુધી 5 ફેરા માટે રાજેન્દ્ર નગરથી નવી દિલ્હી (12309) ટ્રેનમાં 2 વધારાના AC કોચ જોડ્યા છે, જેનાથી આ મહત્વના રૂટ પર યાત્રીઓને મોટી રાહત મળી છે.
આ પણ વાંચો…ઇન્ડિગો સંકટ પર PMOની નજર: સરકારી સકંજા પછી એરલાઇન્સે માગી 10 દિવસની મુદ્દત…



