રેલવેએ માત્ર બદલ્યો આ એક નિયમ અને કરી કરોડોની કમાણી…
નવી દિલ્હીઃ જી હા, ભારતીય રેલવેએ માત્ર એક નિયમ બદલીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હતી. રેલવે દ્વારા બાળકો માટે બનાવવામાં આવેલા પ્રવાસના નિયમમાં ફેરફાર કરીને રેલવેને સાત વરસમાં જ 2800 કરોડનો જંગી ફાયદો થયો હતો. વાત જાણે એમ છે કે એક માહિતી અધિકાર હેઠળ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આ માહિતી સામે આવી હતી. સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નવા સુધારેલા નિયમને કારણે રેલવેને 2022-23 દરમિયાન જ 560 કરોડની અધધધ… કમાણી થઈ હતી અને આમ 2022-2 3નું વર્ષ રેલવે માટે સૌથી વધુ નફાકારક વર્ષ બની ગયું હતું.
હવે તમને થતું હશે ને કે આખરે એવો તો કયો નિયમ બદલાયો કે જેને કારણે રેલવેને આટલો બધો અધધધ ફાયદો થયો? તો તમારા આ સવાલનો જવાબ એ છે કે રેલવે મંત્રાલય હેઠળ આવતું CRIS ટિકિટ અને યાત્રીઓ, માલવહન સેવાઓ, રેલવે યાતાયાત નિયંત્રણ અને સંચાલન જેવા મુખ્ય ક્ષેત્રોમાં આઈટી સમાધાન ઉપલબ્ધ કરાવે છે. રેલવે મંત્રાલય દ્વારા 31મી માર્ચ, 2016ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે રેલવે 5થી 12 વર્ષ વચ્ચેની વયના બાળકો માટે જો કોચમાં અલગ બર્થ કે સીટ જોઈતી હશે તો આખી ટિકિટનું ભાડું વસૂલ કરશે. આ સુધારેલો નિયમ 21મી એપ્રિલ, 2016થી જ લાગુ કરવામાં આવ્યો હતો.
આ પહેલાં અગાઉ રેલવે 5થી 12 વર્ષની વચ્ચેના બાળકો માટે અડધી ટિકિટ લઈને તેમને બર્થ ઉપલબ્ધ કરાવી આપતી હતી. એક બીજા ઓપ્શન તરીકે જો બાળક અલગ બર્થ ન લઈને સાથે જ મુસાફરી કરતાં માતા પિતા કે વડીલ સાથે પ્રવાસ કરે છે તો પણ તેના માટે અડધી ટિકિટ લેવી પડે છે. આંકડામાં મળેલી માહિતી અનુસાર આ સાત વર્ષમાં 3.6 કરોડથી વધુ બાળકોએ રિઝર્વ સીટ કે બર્થનો વિકલ્પ પસંદ કર્યા વિના અડધી ટિકિટ આપીને મુસાફરી કરી હતી.
બીજી બાજુ 10 કરોડથી વધુ બાળકોએ અલગ બર્થ કે સીટનો વિકલ્પ પસંદ કરીને આખી ટિકિટનું ભાડું ચૂકવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ આરટીઆઈ ચંદ્રશેખર ગૌડ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં એવી માહિતી પણ સામે આવી હતી કે રેલવેમાં મુસાફરી કરનારા કુલ બાળકોમાં લગભગ 70 ટકા જેટલા બાળકો સંપૂર્ણ બર્થ કે સીટ લઈને યાત્રા કરવાનું પસંદ કરી રહ્યા છે.