જાણી લેજો રેલવેનો આ નિયમઃ બોર્ડિંગ સ્ટેશન પરથી ટ્રેન પકડી નહીં હોય તો ટિકિટ રદ

મુંબઈ: ઉનાળાની રજા નિમિત્તે બહારગામ જનારા નોકરિયાત વર્ગનો લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ ધસારો રહેતો હોય છે. બીજી બાજુ રિઝર્વેશન જે સ્ટેશનથી કરાવ્યું હોય અને એ સ્ટેશનને બદલે તેના પછીના સ્ટેશન પરથી ટ્રેન પકડનારા પ્રવાસીઓની ટિકિટ રદ થતી હોવાથી તેનો ત્રાસ પ્રવાસીઓને કરવો પડતો હોય છે. મુંબઈ સબર્બનમાં વિવિધ ઠેકાણેથી ઓફિસમાં મોડે સુધી કામ કરીને નજીકના સ્ટેશનથી ટ્રેન પકડનારા પ્રવાસીઓને આનો મોટો ફટકો બેસતો હોય છે. રેલવે પ્રશાસને જોકે આ અંગેના નિયમ પર ચૂપકીદી સેવી છે.
રેલવે પ્રશાસને છથી આઠ મહિના પહેલાં કાઢેલા સર્ક્યુલર અનુસાર જે રેલવે સ્ટેશનથી ટિકિટ રિઝર્વ કરાવી હોય એ જ સ્ટેશનેથી પ્રવાસીઓએ પ્રવાસ શરૂ કરવો જરૂરી છે. સંબંધિત પ્રવાસીએ આગળના કે પછી ત્યાર બાદના સ્ટેશન પરથી પ્રવાસ શરૂ કર્યો અને તેની વચ્ચેના સમયમાં ટિકિટ ચેકરને સંબંધિત પ્રવાસી સીટ અથવા બર્થ પર ન દેખાય તો તેની ટિકિટ રદ થઇ જાય છે અને સંબંધિત સીટ અન્ય પ્રવાસીને આપી દેવામાં આવતી હોય છે.
ALSO READ : ટિટવાલા નજીક ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવતાં બે પ્રવાસી જખમી
રેલવે પ્રવાસીઓએ તેના પર વાંધો ઉઠાવ્યો છે. ઘડિયાળના કાંટે દોડતા મુંબઈગરાઓએ દરેક સમયે સીએસએમટી કે પછી મુંબઈ સેન્ટ્રલ પરથી ટ્રેન પકડવી શક્ય નથી હોતી. આવા સમયે એ પ્રવાસી દાદર કે પછી થાણે, કલ્યાણથી ટ્રેન પકડતા હોય છે. આને કારણે વચ્ચેના સમયમાં ટિકિટ રદ થાય તો એ પ્રવાસીએ શું કરવું, એવા સવાલનો કોઇ પણ જવાબ રેલવે પાસે નથી.
છથી આઠ મહિના પહેલાં આ નિયમ હતો. જોકે એ સમયે તેની કડક અમલબજાવણી થતી નહોતી. હવે ઉનાળાની રજા શરૂ થઇ એટલે તેની અમલબજાવણી વધુ કડક રીતે કરવામાં આવી રહી છે. એકાદ પ્રવાસીને સીએસએમટીને બદલે દાદર સ્ટેશનેથી પ્રવાસ કરવો હોય તો તેણે 24 કલાક પહેલાં ટિકિટમાં ફેરફાર કરવાની સવલત છે. સંબંધિત પ્રવાસીએ પ્રવાસનું આયોજન કરતા સમયે બોર્ડિંગનું સ્ટેશન પણ નિશ્ચિત કરવું પડતું હોય છે, જેનાથી રિઝર્વેશન ટિકિટ રદ થશે નહીં, એવું રેલવે પ્રશાસને જણાવ્યું હતું.