ટોપ ન્યૂઝનેશનલ

દેશની સૌપ્રથમ હાઈડ્રોજન ટ્રેનના ‘ટ્રાયલ રન’માં અવરોધ, પણ ટ્રેનની વિશેષતા, જાણો?

નવી દિલ્હીઃ ભારત સરકાર જાહેર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અનેક પગલાં લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્બન ઉત્સર્જનનું સ્તર ઘટાડવા સરકારે સમયબદ્ધ રૂપરેખા પણ જાહેર કરી છે. આ દિશામાં પ્રદૂષણમુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમાં અવરોધ આવ્યો છે.

હાલના તબક્કે ટ્રાયલ રનને મુલતવી રાખવામાં આવ્યો છે. જિંદ-સોનિપત હાઈડ્રોજન ટ્રેનનો ટ્રાયલને મુલતવી રાખવામાં આવ્યો છે. માળખાકીય ખામીઓને કારણે ટ્રાયલ મુલતવી રાખવામાં આવ્યો છે. પાણીની યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે અવરોધ આવ્યો છે. પ્લાન્ટને હાઈડ્રોજન ગેસ ઉત્પન્ન કરવા માટે રોજ 4,000 લિટર પાણી જરુર છે, પરંતુ હાલમાં પાણીનો પુરવઠાની વ્યવસ્થા નથી, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

આ ટ્રેન હરિયાણાના જિંદ અને સોનીપત સુધીના 89 કિલોમીટરના રૂટ પર દોડશે. તેનું નિર્માણકાર્ય ચેન્નઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે. આ ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. 1200 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતી આ ટ્રેન એક સમયે 2638 મુસાફરનું વહન કરી શકશે.

110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ 8 કોચવાળી હાઇડ્રોજન ટ્રેન વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેનોમાં સામેલ થશે. ગ્રીન ટેક્નોલોજી પર આધારિત આ ટ્રેન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને શૂન્ય કાર્બનના લક્ષ્ય તરફ આગળ વધવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

હાઇડ્રોજન ટ્રેન અન્ય ટ્રેનોથી કઈ રીતે અલગ છે?

X

હાઈડ્રોજન ટ્રેન સ્પીડ, લુક થી લઈને દરેક બાબતમાં અન્ય ટ્રેનોથી સાવ અલગ છે. આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ છે. આમાં, નવા ઇંધણ સ્ત્રોત એટલે કે હાઇડ્રોજન અને ટેકનોલોજી (ફ્યુઅલ સેલ) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રતિક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. આથી માત્ર પાણી (H₂O) અને ઊર્જા ઉત્પન્ન થાય છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવે છે.

ભારતમાં બનાવેલ હાઇડ્રોજન સંચાલિત રેલ્વે એન્જિન સ્વદેશી પ્રતિભાનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે. હાલમાં, વિશ્વના માત્ર ચાર દેશો પાસે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનો છે. આ ટ્રેનો 500થી 600 હોર્સ પાવરની વચ્ચે ઊર્જા ઉત્પાદન કરે છે. ભારતમાં ઉત્પાદિત હાઇડ્રોજન ટ્રેનની એન્જિન ક્ષમતા 1,200 હોર્સ પાવરની છે, જે આ શ્રેણીમાં અત્યાર સુધીની સૌથી વધુ છે.

ભારતીય રેલવે તેના વિશેષ પ્રોજેક્ટ ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ હેઠળ હેરિટેજ અને પહાડી કોરિડોરમાં 35 હાઈડ્રોજન ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહી છે. આ મહત્વકાંક્ષી યોજના માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. 2800 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વધુમાં, હેરિટેજ રૂટ પર હાઈડ્રોજન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અલગથી 600 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આપણ વાંચો : Hydrogen Train:ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન, જાણો તેની વિશેષતાઓ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button