નેશનલ

ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’નું કર્યું સફળ ટ્રાયલ

ભારતીય રેલ્વેએ ​​જમ્મુ અને કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ‘ચેનાબ રેલ બ્રિજ’ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. ચેનાબ રેલવે બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે જે રામબન જિલ્લાના સંગલદાનને રિયાસી સાથે જોડે છે. ભારતીય રેલ્વેએ રવિવારે, ચેનાબ રેલ બ્રિજ પર એન્જિનનું ટ્રાયલ રન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે 16 જૂને ઇલેક્ટ્રિક એન્જિનના ટ્રાયલની જાહેરાત કરી હતી. આ લાઇન પર ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થશે.

ચિનાબ રેલ બ્રિજ એ સ્ટીલ અને કોંક્રીટનો કમાન પુલ છે જે સિંગલ-ટ્રેક રેલ્વે લાઇન વહન કરે છે. આ પુલ ભારતના જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિભાગના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે સ્થિત છે. આ પુલ ચેનાબ નદી પર 359 મીટર (1,178 ફૂટ)ની ઊંચાઈ ઉપર બનેલો આ પુલ વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ છે. પુલ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ ઓગસ્ટ 2022 માં આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચિનાબ રેલ્વે બ્રિજના નિર્માણમાં કુલ 30,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ 1486 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનને ટકી શકે છે. તેનું નિર્માણ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ ટ્રેન 7 સ્ટેશનો થઈને બારામુલા પહોંચશે. તેનો હેતુ ઘાટીના લોકોની અવરજવરને સરળ બનાવવાનો છે.
કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રવિવારે સંગલદાનથી રિયાસી સુધી ઇલેક્ટ્રિક એન્જિનના સફળ ટ્રાયલની જાહેરાત કરી હતી, જેમાં ચેનાબ બ્રિજને પાર કરવાનો સમાવેશ થતો હતો. આ સફળ ટ્રાયલ રન બાદ વૈષ્ણવે તેની X પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સંગલદાનથી રિયાસી સુધી પ્રથમ ટ્રાયલ ટ્રેન સફળતાપૂર્વક દોડી છે, જેમાં ચેનાબ બ્રિજને પાર કરવાનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button