ટ્રેન ઉથલાવવાનું ષડ્યંત્ર! કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસ એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ

કાનપુર: છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ટ્રેનને ઉથલાવી પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. એવામાં રવિવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના કાનપુર(Kanpur)માં એક ગંભીર ટ્રેન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ગઈ કાલે રાત્રે પ્રયાગરાજ-ભિવાની કાલિંદી એક્સપ્રેસ (Kalindi Express) પાટા પર મૂકેલા એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ હતી, પોલીસને પાટાની બાજુમાંથી સિલીન્ડર મળી આવ્યું છે, પોલીસ આ મામલે વધુ તાપસ કરી રહી છે.
કાલિંદી એક્સપ્રેસ ખૂબ જ ઝડપીથી જઈ રહી હતી ત્યારે કાનપુરના શિવરાજપુર પાસે પાટા પર રાખેલા ગેસ સિલિન્ડર સાથે અથડાઈ હતી. પોલીસના જણવ્યા મુજબ એલપીજી સિલિન્ડરને પાટા પર મૂકીને કાલિંદી એક્સપ્રેસને પાટા પરથી ઉતારી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક સાયન્સની ટીમને બોલાવવામાં આવી હતી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ પણ આ બાબતની તપાસ કરી રહી છે.
અધિકારીએ જણાવ્યું કે “લોકો પાયલોટ (ડ્રાઈવરે) પાટા પર ઑબ્જેક્ટ જોયા પછી ઈમરજન્સી બ્રેક લગાવી હતી. ટ્રેન ધીમી પડી હતી છતાં, સિલિન્ડર સાથે અથડાઈ હતી. સિલિન્ડર ટ્રેન સાથે અથડાઈને પાટા પરથી દૂર ખસી ગયું હતું.”
આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને પોલીસે પૂછપરછ માટે બે લોકોની અટકાયત કરી છે. કેસની તપાસ માટે છ ટીમ બનાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી જ્વલનશીલ પ્રવાહી ભરેલી કાચની બોટલ મળી આવી હતી, એક મીઠાઈનો ડબ્બો પણ મળી આવ્યો હતો.
છેલ્લા એક મહિનામાં ઉત્તર પ્રદેશમાં ટ્રેન ઉથલાવી પડવાના પ્રયાસની આ બીજી ઘટના છે. ગત મહીને 17 ઑગસ્ટના રોજ કાનપુર નજીક પણ વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસના 22 જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તાપસમાં જાણવા મળ્યું કે એન્જિન પાટા પર રાખેલા એક ભારે ઓબ્જેક્ટ સાથે અથડાયું હતું.
આ ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડ્યંત્ર હોવાની પોલીસને શંકા છે.