
ફર્સ્ટ એસીથી લઈને સ્લીપર ક્લાસ સુધી લગેજ લિમિટ અને એક્સેસ ચાર્જની સંપૂર્ણ વિગતો
નવી દિલ્હીઃ ભારતીય રેલવે સસ્તા અને ઝડપી પરિવહન માટે લાઈફલાઈન કહેવાય છે, પરંતુ વધતા ખર્ચ માટે હવે રેલવે કમાણી કરવાનો માર્ગ મોકળા કરી રહ્યું છે. લાંબા અંતરની ટ્રેનમાં હવે પ્રવાસીઓ એક્સેસ સામાન સાથે મુસાફરી કરી શકશે નહીં. રેલવે બોર્ડના નિર્ધારિત નિયમો પ્રમાણે સામાન લઈ જઈ શકશે, પરંતુ હવે વધુ પડતા સામાન સાથે મુસાફરી કરવાનું વિચારતા હોય તો તેના પૈસા ચૂકવવા પડશે.
રેલવે મંત્રાલયે હવે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનમાં વધારે સામાન સાથે મુસાફરી કરવાના હશો તો વધારે પૈસા ચૂકવવા પડશે. રેલવેએ બેગેજના નિયમોને લઈને વધુ કડક બનાવ્યા છે. હવે એવિયેશન સેક્ટરના માફક રેલવે પણ એક્સેસ સામાન પર વધુ પૈસા લેશે.
આ મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મહત્ત્વની માહિતી આપી હતી. લોકસભામાં ટ્રેનની મુસાફરી વખતે નિર્ધારિત લિમિટ સંબંધના એક સવાલના જવાબમાં રેલવે પ્રધાને કહ્યું હતું કે પ્રવાસીઓને પહેલાથી નિર્ધારિત ક્લાસ પ્રમાણે ફ્રી લગેજ અલાઉન્સ નિર્ધારિત છે અને વધુ સામાન હશે તો પૈસા ચૂકવવા પડશે.

એરલાઈન્સમાં ફ્રી સામાન અમુક લિમિટ સુધી મંજૂરી
એરલાઈન્સની વાત કરીએ તો ફ્રી સામાન માટે દરેક એરલાઈન્સ અને ફ્લાઈટ રુટના આધારે ભાવ નક્કે કરે છે. સામાન્ય રીતે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પંદર કિલો સુધી ચેક ઈન બેગેજ અને સાત કિલો હેન્ડબેગ ફ્રી મળે છે, જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં 23થી 25 કિલો અને બે બેગ (દરેક બેગનું 23 કિલો વજન સુધી છૂટ આપવામાં આવે છે. બીજી બાજુ રેલવે પણ નિશ્ચિત વજન સુધી મંજૂરી આપે છે.
સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસનો નિયમ
મળતી માહિતી પ્રમાણે બીજા વર્ગમાં મુસાફરી કરનાર પેસેન્જર વિનામૂલ્યે 35 કિલોનું વજન લાવી શકે છે અને ચાર્જ ભરીને 70 કિલો સુધી લાવી શકે છે. સ્લીપર ક્લાસ પેસેન્જર 40 કિલો જેટલું વજન મફત લાવી શકે છે અને ચાર્જ ભરીને 80 કિલો જેટલો સામાન લાવી શકે છે. એસી થ્રી ટાયર કે ચેર કારના ઉતારુ 40 કિલોના વજનનો સામાન મફત લાવી શકે છે અને આ જ મહત્તમ વજન છે. ફર્સ્ટ ક્લાસ અને એસી ટુ ટાયર પેસેન્જરને 50 કિલોનો સામાન મફત લાવવાની છૂટ છે અને તેની મહત્તમ મર્યાદા 100 કિલોની છે. એસી ફર્સ્ટ ક્લાસ પેસેન્જર 70 કિલોનો મફત સામાન લાવી શકે છે અને ચાર્જ ભરીને મહત્તમ 150 કિલો લાવી શકે છે. પેસેન્જરે મફત સામાનથી વધારે વજન માટે નાણાં ભરવાં જોઈએ છે.
રેલેવે પ્રધાને બીજી મહત્ત્વની વાત એ કરી છે કે ટ્રન્ક, સુટકેસ અને બોક્સના બહારના માપ 100 સેન્ટિમીટર લંબાઈના, 60 સેન્ટિમીટર પહોળાઈના અને 25 સેન્ટિમીટર ઊંચાઈના હોવા જોઈએ. આ માપનો સામાન વ્યક્તિગત સામાન તરીકે લઈ જવાની પરવાનગી છે. જો પેટી, સુટકેસ અને બોક્સના માપ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈના વધારે હોય તો એ પેટી કે સુટકેસ કે બોક્સ બ્રેકવાન (એસલઆર) કે પાર્સલ વાનમાં બુક કરીને લઈ જવા પડશે અને તેને ઉતારુના ડબ્બામાં નહીં લઈ જવાય.
એક્સેસ સામાન પર વધુ ચાર્જ કેમ વસૂલાશે
રેલવેનું કહેવું છે કે સૌથી વધુ સામાન સુધી મુસાફરી કરનારા પ્રવાસીઓ અન્ય પ્રવાસીઓ માટે પણ અવરોધરુપ બને છે. ઉપરાંત, સુરક્ષા મુદ્દે પણ સમસ્યા ઊભી કરે છે. વધુ સામાન સાથે અવરજવર કરવાનું અન્ય પ્રવાસીઓ માટે મુશ્કેલ બને છે, જ્યારે અકસ્માતનું પણ કારણ બની શકે છે, જેથી હવે રેલવે બેગેજ મુદ્દે સખત નિયમો પર જોર આપે છે.
આ પણ વાંચો…ડીપફેકને નાથવા સરકાર કરવા જઈ રહી છે આ બે કામ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી



