IRCTC પર હવે તાત્કાલ ટીકીટ મળવી સરળ બનશે, સરકાર કરી રહી છે આ કાર્યવાહી... | મુંબઈ સમાચાર
નેશનલ

IRCTC પર હવે તાત્કાલ ટીકીટ મળવી સરળ બનશે, સરકાર કરી રહી છે આ કાર્યવાહી…

નવી દિલ્હી: ભારતીય રેલ્વે વિશ્વનું સૌથી મોટું સરકારી માલિકીનું રેલ નેટવર્ક છે, તે વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક (Indian Railway) છે. દેશમાં દરરોજ લાખો મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરાવે, એવામાં જાણવા મળ્યું છે. આર્ટીફીશીયલઈન્ટેલીજન્સ(AI)નો ઉપયોગ કરીને એક સાથે મોટી સંખ્યામાં તત્કાલ ટિકિટો બૂક કરવામાં આવી રહી છે, જેને કારણે ટીકીટ બૂક કરવા ઈચ્છતા લોકોને તકલીફ પડે છે.

તાજેતરના એહવાલ મુજબ દરરોજ લગભગ 2.25 લાખ મુસાફરો રેલ્વેના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તત્કાલ ટિકિટ બુક કરાવે છે, તાજેતરમાં ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગની પેટર્નનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક ગડબડ જાણવા મળી હતી. રેલ્વે હવે કેટલાક શંકાસ્પદ અકાઉન્ટને બ્લોક કરવાની કાર્યવાહી કરી રહી છે.

રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ જણાવ્યું, “ભારતીય રેલ્વે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે ઇ-આધાર ચકાસણી શરૂ કરશે. આનાથી ખરા મુસાફરોને જરૂરિયાત સમયે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે.”

એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા:
અહેવાલ મુજબ રેલવે દ્વારા વિકસાવવામાં આવેલા એક ખાસ સોફ્ટવેર દ્વારા છેલ્લા 6 મહિનામાં 2.4 કરોડથી વધુ યુઝર્સને ડી એક્ટિવેટ અને બ્લોક કરવામાં આવ્યા છે. લગભગ 20 લાખ અન્ય એકાઉન્ટ્સ પણ શંકાસ્પદ મળી આવ્યા છે, જેમના આધાર અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

એકાઉન્ટ્સની વિશેષ તપાસ કરવામાં આવશે:
IRCTC ની વેબસાઇટ પર 13 કરોડથી વધુ સક્રિય સબ્સ્ક્રાઇબર્સ છે, જેમાંથી 1.2 કરોડ આધાર પ્રમાણિત એકાઉન્ટ્સ છે. IRCTC એ એવા બધા એકાઉન્ટ્સની વિશેષ તપાસ કરવાનો નિર્ણય લીધો છે, જે આધાર સાથે પ્રમાણિત કરવામાં આવ્યા નથી. જો આ એકાઉન્ટ્સ શંકાસ્પદ જણાય તો, તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

રેલવે આ કાર્યવાહી એટલા માટે કરી રહી છે જેથી તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ સર્વિસ હેઠળ ફક્ત સાચા મુસાફરોને જ ટિકિટ મળે. જે યુઝર્સે તેના અકાઉન્ટ આધાર સાથે લિંક કર્યા છે, તેમને તત્કાલ બુકિંગની પ્રથમ 10 મિનિટમાં પ્રાથમિકતા મળશે. IRCTC ના અધિકૃત એજન્ટોને પણ તત્કાલ વિન્ડો ખુલ્યાની પ્રથમ 10 મિનિટમાં સિસ્ટમ પર ટિકિટ બુક કરવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં, IRCTC એકાઉન્ટને આધાર સાથે પ્રમાણિત કરવું જરૂરી બની ગયું છે.

ડેટાના વિશ્લેષણમાં શું જાણવા મળ્યું:
24 મે થી 2 જૂન સુધી ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગના પેટર્નનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે એસી ક્લાસમાં કુલ 1,08,000 ટિકિટોમાંથી, પહેલી મિનિટમાં જ 5,615 ટિકિટો બુક થઈ હતી. જ્યારે વોન્ડો ખુલ્યાના બીજા મિનિટમાં 22,827 ટિકિટો બુક થઈ હતી. બારી ખુલ્યાના પહેલી 10 મિનિટમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર એસી ક્લાસની સરેરાશ 67,159 ટિકિટો બુક થઈ હતી, જે ઓનલાઈન પ્લેટફોર્મ પર બુક થયેલી કુલ ટિકિટોના 62.5% છે.

વિન્ડો ખુલ્યાના પહેલા કલાકમાં એસી ક્લાસની 92,861 ટિકિટો બુક થઈ હતી, જે એસી કેટેગરીમાં ઓનલાઈન બુક થયેલી કુલ ટિકિટોના 86% હતી.

બારી ખુલ્યાના પહેલા કલાકથી ચોથા કલાક વચ્ચે 4.7% ટિકિટો બુક થઈ હતી. જ્યારે 6.2% ટિકિટો ચોથા કલાકથી દસમા કલાક વચ્ચે વેચાઈ હતી. બાકીની 3.01% ટિકિટો બારી ખુલ્યાના 10 કલાક પછી બુક થઈ હતી.

આપણ વાંચો:  IRCTCના પોર્ટલ પર મિનિટોમાં ટિકિટ બુક થવાનું ‘સિક્રેટ’!

નોન-એસી કેટેગરીમાં, 24 મે થી 2 જૂન દરમિયાન દરરોજ સરેરાશ 11,8567 ટિકિટ ઓનલાઈન બુક કરવામાં આવી હતી, જેમાં 4,724 ટિકિટ, જે કુલ ટિકિટના 4% છે, તે પ્રથમ મિનિટમાં જ બુક કરવામાં આવી હતી. બીજી મિનિટમાં, 20786 ટિકિટ વેચાઈ હતી જે કુલ ટિકિટના 17.5% હતી. બારી ખુલ્યાના પહેલી 10 મિનિટમાં 66.4% ટિકિટ વેચાઈ હતી. બારી ખુલ્યાના પહેલા 1 કલાકમાં 84.02% ટિકિટ વેચાઈ હતી અને બાકીની ટિકિટ વિન્ડો ખુલ્યાના 10 કલાકમાં બુક થઈ હતી.

આ સ્પષ્ટ કરે છે કે લોકોને ઓનલાઈન સિસ્ટમ પર તાત્કાલિક ટિકિટ મળી રહી છે અને બારી વિન્ડોના 8 થી 10 કલાક પછી પણ, કુલ ટિકિટના લગભગ 12% બુક થઈ ગઈ છે.

Back to top button