ભારતીય નૌ સેનાની તાકાતમાં થશે વધારો, હિંદ મહાસાગરમાં ઉતારશે છ સ્વદેશી આધુનિક યુદ્ધ જહાજનો કાફલો…

નવી દિલ્હી : દેશની સુરક્ષામાં તૈનાત ભારતીય નૌ સેના તેની તાકાતમાં વધારો કરવા જઈ રહી છે. જેમાં ચીનના સતત વઘતા પ્રભાવને ધ્યાનના રાખીને આગામી એક વર્ષમાં નૌ સેના તેની સશસ્ત્ર તાકાત વધારશે. ભારતીય નૌ સેના છ હિંદ મહાસાગરમાં સ્વદેશી આધુનિક યુદ્ધ જહાજને તેના કાફલામાં સામેલ કરશે. આ સમગ્ર આયોજન સ્ટીલ્થ ફ્રિગેટ 17A પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બધા છ યુદ્ધ જહાજો ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026 સુધીમાં નૌકાદળમાં જોડાશે. આ સ્ટીલ્થ ફ્રિગેટના નામ છે. ઉદયગિરી, તારાગિરી, મહેન્દ્રગિરી, હિમગિરી, દુનાગિરી અને વિંધ્યાગિરી. આ બધા અત્યાધુનિક યુદ્ધ જહાજો છે.
સ્ટીલ્થ ફ્રિગેટના 75 ટકા પાર્ટ્સ ભારતમાં નિર્મિત
ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17A સ્ટીલ્થ ફ્રિગેટના 75 ટકા પાર્ટ્સ ભારતમાં બનાવવામાં આવે છે. જે દરિયાઈ યુદ્ધમાં દુશ્મનોને હરાવવા સક્ષમ છે. નૌકાદળે જાન્યુઆરીમાં જ પ્રથમ P-17A યુદ્ધ જહાજ, INS નીલગિરિનો સમાવેશ કર્યો હતો. એવી અપેક્ષા છે કે ઉદયગિરિ ઓગસ્ટમાં સામેલ થશે. રૂપિયા 45,000 કરોડનો P-17A પ્રોજેક્ટ શિવાલિક-ક્લાસ (P-17) નું આગામી સંસ્કરણ છે.
જે અગાઉના યુદ્ધ જહાજો કરતાં વધુ સારું હશે. તારાગિરિ અને મહેન્દ્રગિરિ મુંબઈ સ્થિત માઝગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. હિમગિરિ, દુનાગિરિ અને વિંધ્યાગિરિ કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. આ હાલ નિર્માણના વિવિધ તબક્કામાં છે.
MDL એ 1 જુલાઈના રોજ ઉદયગિરી નેવીને સોંપ્યું
આ અંગે MDL ખાતે P-17A ના ઇન્ચાર્જ જય વર્ગીસના જણાવ્યા અનુસાર, જ્યારે P-17A પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે પહેલા જહાજમાં કેટલીક સમસ્યાઓ હતી. જેની બાદ પ્રોજેક્ટ સરળતાથી આગળ વધ્યો હતો. તેમજ જરૂરી પરીક્ષણો પછી તારાગિરી અને મહેન્દ્રગિરી ઓક્ટોબર 2025 અને ફેબ્રુઆરી 2026 માં નૌ સેનાને સોંપવામાં આવશે. નૌ સેના સામાન્ય રીતે યુદ્ધ જહાજ સોંપ્યાના એક કે બે મહિના બાદ તેના કાફલામાં સામેલ કરે છે. MDL એ 1 જુલાઈના રોજ ઉદયગિરી નેવીને સોંપ્યું છે. જયારે P-17A યુદ્ધ જહાજોમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ અને મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ જેવા શસ્ત્રો છે.