
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી આતંકવાદીઓનો સફાયો કરવા માટે ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂર અંગે આજે ત્રણેય સેનાના અધિકારીઓએ મહત્ત્વની પ્રેસ બ્રીફિંગ કરી હતી. આતંકવાદી વિરુદ્ધી કાર્યવાહીમાં ભારતીય સેનાએ સાતમી મેના પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીર (પીઓકે)માં નવ ઠેકાણે હુમલાઓ કર્યા હતા.
આ મુદ્દે આજની પ્રેસ કોન્ફરન્સમાં ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન (DGNO) વાઈસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું હતું કે ભારતીય નૌકાદળે નવમીના રાતના પાકિસ્તાની દરિયાઈ સીમામાં સૈન્ય છાવણી, કરાચી પોર્ટ સહિત ટાર્ગેટેડ લક્ષ્યાંકોના સફાયા માટે સંપૂર્ણ રીતે સજ્જ હતી, જ્યારે તેમાં ફક્ત સરકારના આદેશની રાહ જોઈ રહ્યા હતા. અને એના સફાયા માટે ભારતીય નૌકાદળ સક્ષણ પણ છે.
ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેનાની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ વખતે વાઈસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું હતું કે 22 એપ્રિલના પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહલગામમાં 26 નિર્દોષના જીવ લીધા હતા, ત્યારબાદ ભારતીય સેનાના જવાનો, લડાકુ વિમાન સહિત સબમરીન મારફત સંપૂર્ણપણે યુદ્ધ કરવાની તૈયારી સાથે દરિયામાં તહેનાત કરવામાં આવ્યા હતા.
અમે આતંકવાદીઓ પર હુમલો કરવા માટે 96 કલાકની અંદર અરબ સાગરમાં પોતાના હથિયારો અને જંગી જહાજોની તૈયારીઓનું ટેસ્ટિંગ પણ કર્યું હતું. એટલું જ નહીં, ઉત્તરી અરબ સાગરમાં દુશ્મનો સામે નિર્ણાયક કાર્યવાહી માટે સંપૂર્ણ તત્પરતા અને ક્ષમતા સાથે તહેનાત રહે, જેથી નિર્ધારિત ટાર્ગેટ પર હુમલા કરી શકાય.
દરિમયાન ડીજીએનઓએ કહ્યું કે ઈન્ડિયન નેવીએ પાકિસ્તાનના નૌકાદળ અને તેના એરિયલ યુનિટને રક્ષણાત્મક સ્થિતિમાં રહેવાની નોબત આવી હતી. મોટા ભાગે પોર્ટની અંદર અથવા દરિયાકાંઠાની નજીક પણ અમે સતત ચોકસાઈ રાખી હતી. પહેલા દિવસથી ભારતનો પ્રતિભાવ પ્રમાણસર અને જવાબદારીપૂર્વકનો રહ્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોઈ પણ પ્રતિકૂળ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવા માટે ભારતીય નૌકાદળ દરિયામાં તહેનાત રહે છે.
ભારત તરફથી પાકિસ્તાનના કેટલા વિમાન તોડવામાં આવ્યા એના જવાબમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના વિમાનોને ભારતીય સીમામાં ઘૂસતા રોક્યા હતા. ચોક્કસ અમે તેમના વિમાન તોડ્યા હતા અને તેમને મોટું નુકસાન થયું હતું.