ભારતીય નૌસેના બનાવી રહી છે ગુપ્ત બંકર, જાણો INS વર્ષા વિશે..
ભારતીય નૌસેના દ્વારા એક ગુપ્ત નેવલ બેઝ તૈયાર થઇ રહી છે, જેને નામ આપવામાં આવ્યું છે INS વર્ષા. આ નેવલ બેઝમાં ભારતની પરમાણુ સબમરીન રહેશે. ખાસ વાત એ છે કે પરમાણુ સબમરીનને કોઇ જોઇ શકશે નહિ. કેમકે તે અંડરગ્રાઉન્ડ રહેશે.
આ નેવલ બેઝને ઇસ્ટર્ન નેવલ કમાન્ડ વડે સંચાલિત કરવામાં આવશે જેનું મુખ્યમથક વિશાખાપટ્ટનમમાં છે. વિશાખાપટ્ટનમની બંદરગાહ પર નૌસેનાના જહાજો તથા શિંપિંગ માટેના જહાજોની સતત આવનજાવન રહેતી હોય છે, આથી તમામ જહાજો ત્યાં ઉભા રહી શકતા નથી. અહીં વર્ષ 2006માં 15 યુદ્ધજહાજ તૈનાત રહેતા હતા જે હવે વધીને 46 થઇ ગયા છે. સંખ્યા સતત વધી રહી છે. INS વર્ષા નૌસેનિક બેઝમાં ઓછામાં ઓછી 8થી 12 સબમરિન રાખવામાં આવશે.
INS વર્ષાનું નિર્માણ પ્રોજેક્ટ વર્ષા હેઠળ થઇ રહ્યું છે. આ નેવલ અલ્ટરનેટિવ ઓપરેશન બેઝ હશે. માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષ સુધી તેનું કામ પૂર્ણ થઇ જશે. વર્ષ 2018માં પીએમ મોદીએ તેનું ક્લિયરન્સ આપ્યું હતું. ત્યારથી મોટાપાયે તેને ડેવલપ કરવાની કામગીરી થઇ રહી છે.
રામબિલી નૌસેનિક બેઝ આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવે છે. તેનું લોકેશન એ પ્રકારનું છે કે જ્યાંથી ભારતીય નૌસેના પૂર્વ અને પશ્ચિમ બંને તટ પર દેખરેખ રાખી શકે છે. ઓપન સોર્સ સેટેલાઇટ તસવીરો પરથી ખ્યાલ આવે છે કે પ્રથમ તબક્કાના નિર્માણ કાર્યમાં અઢળક સુરંગો બનાવી દેવાઇ છે, એટલે કે આ આખો નેવલ બેઝ ભૂગર્ભમાં હશે, જમીન પર તે નહિ દેખાય. સુરંગની અંદર 8થી 12 પરમાણુ સંચાલિત બેલેસ્ટિક સબમરીન તથા એસોલ્ટ સબમરિન રાખવામાં આવશે. આ બેઝ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ની પણ નજીક છે. અંડરવોટર સુરંગ પણ તૈયાર કરવામાં આવશે અને તેની અંદર સબમરિનને રાખવામાં આવશે.