નૌકાદળમાં 10,500 ટનનું જહાજ 'નિસ્તાર' સામેલઃ દુશ્મનોની ઊંઘ હરામ કરવા સજ્જ...
ટોપ ન્યૂઝનેશનલ

નૌકાદળમાં 10,500 ટનનું જહાજ ‘નિસ્તાર’ સામેલઃ દુશ્મનોની ઊંઘ હરામ કરવા સજ્જ…

નવી દિલ્હી: ભારતના પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ડાઇવિંગ સપોર્ટ જહાજ ‘નિસ્તાર’ને આજે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતની દરિયાઈ તાકાતમાં થઇ રહેલા વધારાના પ્રતિક નિસ્તાર બન્યું છે. ‘નિસ્તાર’નું નિર્માણ મૂળરૂપે 29 માર્ચ, 1971ના રોજ થયું હતું અને ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિશાખાપટ્ટનમ બંદરના બાહ્ય વિસ્તારમાં ડૂબી ગયેલી પાકિસ્તાનની સબમરીન ‘ગાઝી’ને ઓળખવામાં અને પૂર્વીય કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે નવા રંગરુપમાં તૈયાર 10,500 ટનના વજનવાળી નિસ્તાર દુશ્મનોની ઊંઘ હરામ કરવા માટે સજ્જ રહેશે.

હંમેશા એડવાન્સ્ડ સ્વરૂપમાં પાછા ફરે છે
નૌકાદળના વડા (CNS) એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ જણાવ્યું કે નિસ્તાર એડવાન્સ્ડ સેચ્યુરેશન ડાઇવ સિસ્ટમ અને સબમરીન સહિત ઊંડા જળચર બચાવ જહાજોને બચાવવાની ક્ષમતા સાથે પોતાની વિરાસતને આગળ વધારશે. આ પ્રસંગે એડમિરલ ત્રિપાઠીએ કહ્યું કે “જૂના જહાજો ક્યારેય મરતા નથી, તેઓ હંમેશા એડવાન્સ્ડ સ્વરૂપમાં પાછા ફરે છે.”

ટેકનોલોજી અને ઓપરેશન બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ
નૌકાદળના વડાએ કહ્યું કે નિસ્તાર ટેકનોલોજી અને ઓપરેશન બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે, જે ભારત અને પ્રાદેશિક ભાગીદારોની સબમરીન બચાવ ક્ષમતાઓને વધારે છે અને ભારત વૈશ્વિક સ્તરે સબમરીન બચાવમાં એક પસંદગીના ભાગીદાર તરીકે ઊભરી આવવા માટે તૈયાર છે.

નૌકાદળનો ગૌરવપૂર્ણ વિજયોનો ઇતિહાસ
ત્રિપાઠીએ કહ્યું કે દુનિયાભરમાં ફક્ત કેટલીક જ નૌકાદળો પાસે આવી ક્ષમતાઓ છે, અને બહુ ઓછા દેશો તેમને સ્વદેશી રીતે વિકસાવે છે. તેમણે કહ્યું હતું કે નિસ્તાર ભારતના સમુદ્રી-આધારિત ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ કાર્યક્રમમાં રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠે કહ્યું કે ભારતીય નૌકાદળનો ગૌરવપૂર્ણ વિજયોનો ઇતિહાસ રહ્યો છે અને નિસ્તાર ભારતની વૈશ્વિક ઓળખને વધારશે. તેમણે કહ્યું કે આ સાબિત કરશે કે ભારતીય નૌકાદળ વૈશ્વિક મહાશક્તિઓ વચ્ચે સમાન સ્થાન ધરાવે છે.

નિસ્તાર છે 120 મીટર લાંબી, 10,500 ટન વજન
નિસ્તારની વિશેષતાની વાત કરીએ તો લગભગ 120 મીટર લાંબી છે, જે સેવામુક્ત કરવામાં આવી ત્યારે તેનું વજન 800 ટન હતું, પરંતુ નવનિર્મિત કરવામાં આવ્યા પછી એનું કુલ વજન 10,500 ટન છે અને 120 મીટર જેટલી લાંબી છે, જે વિકસિત ભારતની ક્રાંતિસમાન છે. નૌકાદળને વધુ આધુનિક અને શક્તિશાળી બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button