ટોપ ન્યૂઝનેશનલ

આજે ઉજવવામાં આવી રહ્યો છે ઇન્ડિયન નેવી ડે, જાણો ઈતિહાસ

ભારતીય નૌકાદળ દેશની દરિયાઈ સરહદોનું રક્ષણ કરે છે. તે વિશ્વનું ચોથી સૌથી શક્તિશાળી નૌકાદળ છે. ભારતીય નૌકાદળનો ઇતિહાસ ગૌરવશાળી અને સદીઓ જૂનો છે. એવું માનવામાં આવે છે કે તેની રચના સૌપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. જોકે, તેને આગળ લઈ જવાનું કામ અંગ્રેજોએ કર્યું હતું.

ભારતીય નૌકાદળ પાસે હાલમાં 67 હજાર 252 સક્રિય અને 75 હજાર અનામત સૈનિકો છે. ભારતીય નૌકાદળ પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. નેવીના કાફલામાં લગભગ 150 જહાજો અને સબમરીન અને લગભગ 300 એરક્રાફ્ટ પણ છે.


આપણે ઈતિહાસ જોઈએ તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1612માં નેવીની રચના કરી હતી. 1686માં તેનું નામ ‘ઈસ્ટ ઈન્ડિયા મરીન’થી બદલીને ‘બોમ્બે મરીન’ કરવામાં આવ્યું. 1830માં ‘બોમ્બે મરીન’નું નામ બદલીને ‘હર મેજેસ્ટીઝ ઈન્ડિયન નેવી’ રાખવામાં આવ્યું હતું. 1863 થી 1877 સુધી તેને ફરીથી ‘બોમ્બે મરીન’ નામ આપવામાં આવ્યું.


1892માં તેનું નામ ‘રોયલ ઈન્ડિયન નેવી’ રાખવામાં આવ્યું. આઝાદી પછી, 1950 માં તેનું નામ બદલીને ‘ભારતીય નેવી’ રાખવામાં આવ્યું. બહાદુર શિવાજીના સમયથી બ્રિટિશ શાસન સુધી ભારતીય નૌકાદળના યોગદાનને સમગ્ર વિશ્વ હંમેશા યાદ રાખે છે. ભારતીય નૌસેનાએ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે નૌકાદળનો ધ્વજ બદલવામાં આવ્યો અને ભારતીય નૌકાદળને નવી ઓળખ મળી. નવા ધ્વજમાંથી અંગ્રેજોની ગુલામી સમુ લાલ ક્રોસનું પ્રતીક દૂર કરવામાં આવ્યું હતું. નવા ધ્વજમાં ત્રિરંગો અને અશોકનું પ્રતીક છે. તે જ દિવસે દેશના નવા એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતને પણ નેવીમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે.


આઝાદી બાદ 1971માં બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ દરમિયાન જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો ત્યારે ભારતીય નૌકાદળે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય નૌકાદળે 4 અને 5 ડિસેમ્બરની રાત્રે હુમલાની યોજના બનાવી હતી, જેમાં પાકિસ્તાનના અનેક જહાજો ડૂબી ગયા હતા અને સેંકડો પાકિસ્તાની ખલાસીઓને મારી નાખ્યા હતા. આ અભિયાનમાં ભારતીય નૌકાદળનું નેતૃત્વ કોમોડોર કાસરગોડ પટ્ટનાશેટ્ટી ગોપાલ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ યુદ્ધમાં મળેલી જીતની યાદમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે.


નેવી ડે પ્રથમ 21 ઓક્ટોબર 1944 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. તેનો હેતુ લોકોમાં નેવી વિશે જાગૃતિ વધારવાનો હતો. 1 ડિસેમ્બરે નેવી ડે મનાવવાની પરંપરા 1945માં શરૂ થઈ હતી. 1972 સુધી, નેવી ડે 15 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો. 1972માં જ દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર વર્ષે1 થી 7 ડિસેમ્બર દરમિયાન નેવી વીકનું આયોજન કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button