ચીની નાવિક માટે ભારતીય નૌકાદળ બન્યું “દેવદૂત” : મધદરિયે કેવી રીતે બચાવ્યો જીવ ?

નવી દિલ્હી: ઇંડિયન નેવીએ ફરી એકવાર પોતાની હિંમત અને માનવતાનો દાખલો બેસાડ્યો છે. ભારતીય નૌસેનાએ દરિયામાં ઈજાના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા ચીની નાવિકનો જીવ બચાવ્યો છે. આ ઘટના ભારતીય નૌકાદળની ત્વરિત કાર્યવાહી અને કાર્યક્ષમતાનો પુરાવો છે. ભારતીય નૌકાદળને એક ઇમરજન્સી મેસેજ મળ્યો કે ચીનના વ્યાપારી જહાજમાં સવાર એક નાવિકની હાલત ગંભીર છે અને તેને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર છે. ભારતીય નૌસેનાએ કોઈપણ વિલંબ કર્યા વિના તેની મેડિકલ ટીમ અને હેલિકોપ્ટર જહાજ તરફ રવાના કર્યા.
ભારતીય નૌકાદળની મેડિકલ ટીમે સમયસર પહોંચીને ચીની નાવિકને પ્રાથમિક સારવાર આપી હતી અને તેને સુરક્ષિત રીતે ભારતીય નૌકાદળના જહાજમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેમને જરૂરી મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ચીની નાવિકની સ્થિતિ સ્થિર થયા બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
નેવીના આ સાહસિક અને માનવતાભર્યા પગલા માટે ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ભારતીય નૌકાદળ માત્ર તેના દેશની સુરક્ષામાં જ વ્યસ્ત નથી પરંતુ માનવતાની સેવામાં પણ અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. આ ઘટના દર્શાવે છે કે સંકટ સમયે માનવતા અને સહકાર સર્વોપરી છે.
ભારતીય નૌકાદળની આ ત્વરિત અને સફળ કાર્યવાહીથી બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગ પણ વધ્યો છે. ભારતીય નૌકાદળના આ માનવતાવાદી પગલાએ માત્ર એક જીવ બચાવ્યો જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠા પણ વધારી.