ભારતીય તબીબી સ્નાતકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પ્રેક્ટિસ કરી શકશે
વર્લ્ડ ફેડરેશન તરફથી મળી માન્યતા
નવી દિલ્હીઃ ભારતીય ડોક્ટરો માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ઈન્ડિયન મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ ભારતીય ડોક્ટરોને ભારતમાં જ પ્રેક્ટિસ કરવાની છૂટ હતી, જેના કારણે તબીબોના વિદેશમાં સ્થાયી થવાના સપના અધૂરા રહી જતા હતા, પરંતુ હવે આવું નહીં થાય. ભારતીય ડોક્ટરો હવે અન્ય દેશોમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. નેશનલ મેડિકલ કમિશન (NMC)ને હવે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME એક્રેડિટેશન ઇન્ડિયા) તરફથી માન્યતા મળી છે
ભારતમાં મેડિકલમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને હવે ફેડરેશન ઓફ મેડિકલ એજ્યુકેશન (WFME)દ્વારા માન્યતા મળતા હવે તેઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં દર્દીઓની સારવાર કરી શકશે. વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) એ નેશનલ મેડિકલ કમિશનને 10 વર્ષ માટે વિદેશમાં પ્રેક્ટિસ કરવા માટે માન્યતા આપી છે. ભારતની તમામ 706 મેડિકલ કોલેજોને WFMEની માન્યતા મળી છે. આ પછી દેશમાં જે પણ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે, ત્યાંથી પાસ આઉટ થનારા ડોક્ટરોને પણ વિદેશમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવશે.
WFME તરફથી માન્યતા મળવાના ઘણા ફાયદા છે. હવે ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ વિદેશી મેડિકલ એજ્યુકેશન અને યુનાઈટેડ સ્ટેટ્સ મેડિકલ લાઈસન્સિંગ પરીક્ષા માટે પણ અરજી કરી શકે છે. એટલું જ નહીં, હવે વિદેશી વિદ્યાર્થીઓ પણ ઈન્ડિયન મેડિકલ કોલેજમાં ડિગ્રી માટે અરજી કરી શકશે કારણ કે અહીંથી અભ્યાસ કર્યા બાદ હવે તેઓ વિદેશ જઈને પ્રેક્ટિસ કરી શકશે.
નોંધનીય છે કે વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન(WFME) તરફથી વૈશ્વિક પ્રેક્ટિસ માટે માન્યતા મેળવવી સરળ નથી. આ માન્યતા મળ્યા બાદ ભારતમાં શિક્ષણનું સ્તર સુધરશે અને વૈશ્વિક સ્તરે પણ તેને નવી ઓળખ મળશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોને પહેલાથી જ માન્યતા મળી ચુકી છે. તેની માન્યતા જાળવી રાખવા માટે તબીબી સંસ્થાઓએ શિક્ષણ અને તાલીમના ઉચ્ચતમ આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવવા પડશે.
WFMEની માન્યતા પ્રક્રિયામાં દરેક મેડિકલ કોલેજે રૂ 4,98,5142 ($60,000) ની ફી ચૂકવવી પડે છે. આ ભંડોળ સાથે WFME ટીમ અહીંની મેડિકલ કોલેજની મુલાકાત લે છે. મેડિકલ કોલેજે તેમનો રહેવાનો ખર્ચ પણ ઉઠાવવો પડે છે.