
નવી દિલ્હી: અમેરિકન સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને બળજબરીપૂર્વક કારાકસમાં ઉઠાવીને અમેરિકા લઈ ગયા છે ત્યારે બંને દેશ વચ્ચેની અંધાધૂંધીને લઈ ભારતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વેનેઝુએલામાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે તાજેતરના વેનેઝુએલા ઘટનાક્રમ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત વર્તમાન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે સાથે જ મંત્રાલયે આ માટે તમામ પક્ષોને વાતચીતથી મુદ્દાને ઉકેલવા અપીલ કરી છે.
દરેક મુદ્દાનો ઉકેલ વાતચીતથી લાવો
આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું કે, અમે તમામ સંબંધિત પક્ષોને આગ્રહ કરીએ છીએ કે તેઓ શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મુદ્દાઓનો ઉકેલ વાતચીત દ્વારા લાવે. ભારતીય વિદેશ મંત્રાલયે એ પણ જણાવ્યું કે કરાકસ સ્થિત ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે. ભારતે શનિવારે રાત્રે વેનેઝુએલાની સ્થિતિને જોતા પોતાના નાગરિકોને ત્યાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

ભારતીયોને સાવચેતી રાખવા અપીલ
મંત્રાલયે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકા દ્વારા ધરપકડ સાથે જોડાયેલા ઘટનાક્રમના પગલે એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે વેનેઝુએલામાં હાજર તમામ ભારતીયોને પણ સાવચેત રહેવા અને પોતાની અવરજવર મર્યાદિત રાખવા જણાવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે કરાકસમાં મોટા પાયે કરવામાં આવેલા અમેરિકી હુમલાઓ દરમિયાન માદુરોને પકડી લેવામાં આવ્યા હતા.
વેનેઝુએલાની મુસાફરી ટાળવા સૂચના
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમને જોતા ભારતીય નાગરિકોને ત્યાંની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવાની સખત સલાહ આપવામાં આવે છે.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જે ભારતીયો કોઈ પણ કારણસર વેનેઝુએલામાં છે, તેમને અત્યંત સાવધ રહેવા, પોતાની પ્રવૃત્તિઓ મર્યાદિત રાખવા અને કરાકસ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો…અડધી રાત્રે 150 લડાકુ વિમાનો ત્રાટક્યા, 30 મિનિટમાં ખેલ ખતમ, કિલ્લા જેવા મહેલમાંથી માદુરો ઝડપાયા



