પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે ગુજરાતના માછીમારો, કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા લાચાર પરિજનોની અપીલ
નવી દિલ્હી : ભારતીય જળસીમામા માછીમારી કરતા ભૂલથી પાકિસ્તાની જળસીમામાં પ્રવેશી જતા માછીમારોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાની પાકિસ્તાનની માનસિક્તા હજુ પણ યથાવત છે. જેના પગલે હાલ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 180 સહિત 217 ભારતીય માછીમારો કેદ છે. ભારત સરકાર માછીમારોને પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ દરમિયાન માછીમારોના પરિવારો ખૂબ જ ચિંતિત છે. તેમજ ગુજરાત અને દીવના 180 માછીમારોને (Gujarat fishermen) તાત્કાલિક મુક્ત કરવા લાચાર પરિજનોએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની જેલમાં જુનાગઢના માછીમારનું મોત, મહિના બાદ સોંપવામાં આવ્યો મૃતદેહ…
પાકિસ્તાની મરીન પોલીસે ઝડપી લીધા હતા
આ અંગે અખબાર સાથે વાત કરતાં સપ્ટેમ્બર 2022થી પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર સંજયના પત્ની ભારતી સોલંકીએ પતિ વિના સંઘર્ષની વાત કરતા ભાંગી પડે છે. 32 વર્ષના ભારતી સોલંકીએ જણાવ્યું હતું કે તેમના પતિ ગુજરાત અને દીવના 180 માછીમારોમાંથી
એક છે. તેમને ઓખા નજીકથી પાકિસ્તાની મરીન પોલીસે ઝડપી લીધા હતા. જેના લીધે ઘરની તમામ જવાબદારી તેમના પર આવી પડી હતી. તેમને આ વાતની થોડા દિવસ બાદ ખબર પડી હતી. જેમાંથી 53 માછીમારો આજે પણ કથિત રીતે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે.
ગુજરાત અને દીવની અનેક મહિલાઓ જેઓ પાકિસ્તાનમાં કેદ તેમના પતિઓ કે પુત્રો સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરવામાં સંઘર્ષ કરી રહી છે, તેમણે શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી.
2008ના કોન્સ્યુલર એક્સેસ કરારને લાગુ કરવા માંગ
આ અંગે મહિલાઓએ માછીમારોને મુક્ત કરાવવા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે 2008ના કોન્સ્યુલર એક્સેસ કરારને લાગુ કરવા માટે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર પણ લખ્યો છે. માછીમાર સંજયના પત્ની ભારતી સોલંકીએ જણાવ્યું હતું કે તેમણે ઓગસ્ટ 2022 માં પતિ સંજય સાથે ફોન પર વાત કરી હતી. તે ઓખા નજીક ક્યાંક માછીમારી કરી રહ્યા હતા. સપ્ટેમ્બરના અંત સુધીમાં મને ખબર પડી કે તેમને પાકિસ્તાની અધિકારીઓએ પકડી લીધો છે. સંજય પરિવારમાં મુખ્ય કમાનાર વ્યક્તિ હતા અને હવે તેની ગેરહાજરીમાં હું વણકબારા બંદર પર મજૂર તરીકે કામ કરીને દર મહિને પરિવાર માટે લગભગ 5,000 રૂપિયા કમાઉ છું.જે મારા પરિવારના ભરણ પોષણ માટે અપૂરતા છે.
સસરાની દવા પાછળ દર મહિને 7,000 રૂપિયા ખર્ચ
ભારતી સોલંકીએ કહ્યું, કે મારા સસરા વેલજીભાઈને લકવો થયો છે અને મારા સાસુ ધનીબેન ઘૂંટણની તકલીફને કારણે વધુ હલનચલન કરી શકતા નથી. મને દર મહિને બે સમયની ભોજન વ્યવસ્થા કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મારા સસરાની દવા પાછળ દર મહિને 7,000 રૂપિયા ખર્ચ થાય છે. જોકે, નાંણાના અભાવે અમે તેમના માટે અમુક દવાઓ ખરીદવાનું બંધ કરી દીધું છે. ભારતીને બે બાળકો છે. તેમને સાત વર્ષનો દીકરો તનિશ અને ત્રણ વર્ષની દીકરી હંસિકા છે. તનિષ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.
ભારતીએ સરકારને અપીલ કરતા તેમણે કહ્યું, હું ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે માછીમારોને તેમના ઘરે પાછા લાવવામાં આવે. મારા જેવી અનેક મહિલાઓ છે જેમને નાના બાળકો છે. તેમના પરિવારમાં કોઈ કમાનાર સભ્ય નથી. આ કેવી રીતે જીવી શકશે ? અમારા બાળકોને કેવી રીતે ઉછેરીએ અને શિક્ષિત કરીએ? અમારા વૃદ્ધ સાસુ-સસરાના તબીબી ખર્ચા કેવી રીતે પૂરા કરવા ? કેમારા પતિ એકમાત્ર કમાનાર સભ્ય હતા અને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે. અમને તેના વિશે કંઈ ખબર નથી.
માછીમાર સમાજ કલ્યાણ ફાઉન્ડેશનએ માહિતી શેર કરી
આ પત્રકાર પરિષદનું આયોજન સમસ્ત માછીમાર સમાજ કલ્યાણ ફાઉન્ડેશન (SMSWF) દ્વારા કરવામાં આવ્યું હતું. દીવના રહેવાસી 50 વર્ષીય જયાબેન ચાવડાએ પોતાની દુર્દશા વર્ણવતા જણાવ્યું હતું કે મારા 28 વર્ષના પુત્ર અલ્પેશના લગ્ન 2020 માં થયા હતા અને 2021 માં પાકિસ્તાન દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે અલ્પેશ પકડાયો ત્યારે તેની પત્ની આરતી ગર્ભવતી હતી. તેણીએ એક દીકરાને જન્મ આપ્યો છે અને અલ્પેશે તેના દીકરાનો ચહેરો પણ જોયો નથી.
માછીમારોને ત્રણ મહિનાની સજા ભોગવવી પડે છે
SMSWF સચિવ ઉસ્માનગની શેરસિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના નિયમો અનુસાર, પાસપોર્ટ વિના સરહદ પાર કરતા પકડાયેલા માછીમારોને ત્રણ મહિનાની સજા ભોગવવી પડે છે. તેમાંથી લગભગ 180 લોકોએ તેમની સજા પૂર્ણ કરી છે અને તેમની રાષ્ટ્રીય ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં તેમને પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. આ કારણે તેમના પરિવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોના બાદ સમિતિ સુષુપ્ત અવસ્થામાં
ઉસ્માનગણી શેરસિયાએ કહ્યું, કોવિડ-19 પછી, પત્રો દ્વારા વાતચીત કરવાની પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ છે. તેથી, પરિવારોને આ માછીમારો વિશે કોઈ માહિતી નથી. શુક્રવારે મહિલાઓએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને ભારત અને પાકિસ્તાન વચ્ચે કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોના સોંપવાના કરારના અમલીકરણની માંગ કરી હતી. બંને દેશોના વરિષ્ઠ નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ કરતી આ સમિતિની રચના ભારત અને પાકિસ્તાન સરકારો દ્વારા 2008 માં કરવામાં આવી હતી.
ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિને પુનર્જીવિત કરવી જરૂરી
જયશંકરને લખેલા પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે, ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિને પુનર્જીવિત કરવી જરૂરી છે. આ સમિતિની છેલ્લી બેઠક ઓક્ટોબર 2013 માં મળી હતી. આ સમિતિ અસરકારક રીતે કામ કરી રહી હતી કારણ કે સભ્યો એકબીજાના દેશની મુલાકાત લેતા હતા અને કેદીઓને મળતા હતા. આનાથી તેને મુક્ત કરવામાં પણ મદદ મળી હતી.
શું ભારત -પાકિસ્તાન વચ્ચેનો કરાર ?
ઉસ્માનગની શેરસિયાએ જણાવ્યું હતું કે કરાર હેઠળ, દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ, ભારત અને પાકિસ્તાન એકબીજાની કસ્ટડીમાં રહેલા લોકોની યાદીઓનું આદાન પ્રદાન કરે છે અને પછી તેમને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. 1 જાન્યુઆરી વીતી ગઈ છે અને માછીમારો હજુ પણ બંધ છે. તેમણે કહ્યું. 21 મે 2008 ના રોજ ભારતના હાઈ કમિશનર અને પાકિસ્તાનના હાઈ કમિશનર વચ્ચે થયેલા કરારના કલમ 5 માં જણાવાયું છે કે, બંને સરકારો રાષ્ટ્રીયતાની પુષ્ટિ અને સજા પૂર્ણ થયાના એક મહિનાની અંદર વ્યક્તિઓને મુક્ત કરવા અને સ્વદેશ પરત મોકલવા સંમત થાય છે.