
નવી દિલ્હી: ગત રાત્રે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના 9 ઠેકાણાં બરબાદ કરી દીધા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ભારતના ત્રણ ફાઈટર પ્લેન તોડી પાડવાનો દાવો કાર્યો, જેને ભારતે ફગાવી દીધો હતો. એવામાં ચીનના સરકારી સમાચાર માધ્યમે ભારતને થયેલા નુકશાન અંગે ખોટા દાવા કર્યા હતાં. ચીનમાં ભારતના દુતાવાસે ચીનના અખબારને ફટકાર લગાવી છે.
તેના મિત્ર દેશ પાકિસ્તાની ઈજ્જત બચાવવા ચીને ભારત વિરુદ્ધ પ્રચાર કરવાનું શરુ કર્યું છે. ગ્લોબલ ટાઈમ્સ (Global Times)એ X પર એક અહેવાલ શેર કર્યો હતો જેમાં તેણે પાકિસ્તાની લશ્કરી સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે હુમલા પછી બદલો લેવા માટે પાકિસ્તાને વધુ એક ભારતીય ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.
આ જ પોસ્ટમાં વધુ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવેલું આ ત્રીજું આ ફાઇટર જેટ હતું.
‘પહેલા ફેક્ટ ચેક કરો’
ભારતીય દૂતાવાસે ચીનના સરકારી અખબારના દાવાને ફગાવી દીધો હતી અને ફટકાર લગાવી હતી. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે ગ્લોબલ ટાઈમ્સની પોસ્ટને રી-શેર કરી કહ્યું, “પ્રિય ગ્લોબલટાઇમ્સ, અમે તમને સલાહ આપીએ છીએ કે આવી ખોટી માહિતી ફોરવર્ડ કરતા પહેલા તથ્યો ચકાસો અને તમારા સ્ત્રોતો તપાસો.”
દૂતાવાસની બીજી પોસ્ટમાં કેહવામાં આવ્યું કે, “પાકિસ્તાન તરફી ઘણા હેન્ડલ #OperationSindoor ના સંદર્ભમાં પાયાવિહોણા દાવાઓ ફેલાવી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે મીડિયા આઉટલેટ્સ સ્ત્રોતોની ચકાસણી કર્યા વિના આવી માહિતી શેર કરે છે, ત્યારે તે જવાબદારી અને પત્રકારત્વની નૈતિકતામાં ગંભીર ખામી દર્શાવે છે.”
ત્યારબાદની પોસ્ટ્સમાં, બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, “@PIBFactCheck એ ખોટા સમાચારોના કિસ્સાઓ પ્રકાશમાં લાવ્યા હતા, જૂના ફોટોને વર્તમાન #OperationSindoor દરમિયાન ક્રેશ થયેલા વિમાનોને તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. શેર કરવામાં આવેલા ફોટોમાંનો એક સપ્ટેમ્બર 2024 માં રાજસ્થાનમાં ક્રેશ થયેલા ભારતીય વાયુસેના (IAF) ના MiG-29 ફાઇટર જેટનો છે જ્યારે બીજો 2021 માં પંજાબમાં ક્રેશ થયેલા IAF MiG-21 ફાઇટર જેટનો છે.”