ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જ કેમ ? આરબીઆઇએ કર્યો આ ખુલાસો...

ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જ કેમ ? આરબીઆઇએ કર્યો આ ખુલાસો…

મુંબઈ : ભારતીય ચલણ પર સામાન્ય રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર જોવા મળે છે. જયારે અન્ય કોઇ નેતા કે મહાપુરુષની તસવીર જોવા નથી મળતી. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જવાબ આપ્યો છે. આ અંગે આરબીઆઇએ જણાવ્યું છે કે ભારતીય ચલણી રૂપિયા પર પ્રસિદ્ધ વ્યક્તિની તસવીર પ્રિન્ટ કરવા માટે રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા સહિત ઘણા નામો પર વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ મહાત્મા ગાંધીના નામ પર સર્વસંમતિ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના કાર્યપ્રણાલી પર બનેલી એક ડોક્યુમેંટ્રી ફિલ્મમાં આ વાત કહેવામાં આવી છે.

પ્રસિદ્ધ વ્યક્તિની તસવીર છાપવા પાછળનું કારણ
રિઝર્વ બેંકે કહ્યું કે પાછળથી ખ્યાલ આવ્યો કે જો બેંક નોટ પર કોઈ પ્રસિદ્ધ વ્યક્તિની તસવીર હોય તો તેને ઓળખવી સરળ બને છે. જો નકલી નોટની ડિઝાઇન યોગ્ય ન હોય તો પ્રસિદ્ધ વ્યક્તિની તસવીર લોકો માટે વાસ્તવિક અને નકલી નોટ ઓળખવાનું સરળ બનાવે છે. ભારતીય સંદર્ભમાં નોટની ડિઝાઇન અને સુરક્ષા સુવિધાઓને ધ્યાનમાં રાખીને એવી ઘણા મહાપુરુષ હતા જેમની તસવીર નોટ પર છાપી શકાઈ હોત.

https://twitter.com/RBI/status/1929851769640608027

ધીમે ધીમે રૂપિયા પર છપાયેલી તસવીરો પણ બદલાઈ હતી
સ્વતંત્રતા પહેલા, બ્રિટિશ ભારતમાં રૂપિયા પર વસાહતીવાદ અને તેનાથી સંબંધિત ઐતિહાસિક અને રાજકીય સંદર્ભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ (વાઘ, હરણ) ના ચિત્રો હતા. બ્રિટિશ સામ્રાજ્યની ભવ્યતા રૂપિયા પર ‘સુશોભિત હાથીઓ’ અને રાજાના શણગારેલા ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી હતી. આરબીઆઈ અનુસાર, પરંતુ જ્યારે ભારત સ્વતંત્ર થયું, ત્યારે ધીમે ધીમે રૂપિયા પર છપાયેલી તસવીરો પણ બદલાઈ હતી. શરૂઆતમાં અશોક સ્તંભના સિંહનું પ્રતીક, પ્રખ્યાત સ્થળો વગેરેનો ઉપયોગ રૂપિયા પર થતો હતો. જ્યારે ધીમે ધીમે ભારતના વિકાસ અને પ્રગતિ સાથે, રૂપિયાએ તસવીરો દ્વારા વિકાસની વાર્તા કહેવાનું શરૂ કર્યું. દેશમાં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી પ્રગતિ અને હરિયાળી ક્રાંતિની સિદ્ધિઓને આર્યભટ્ટ અને ખેતી કરતા ખેડૂતો વગેરેના ચિત્રો દ્વારા નોટ પર સુંદર રીતે કોતરવામાં આવી હતી.

વર્ષ 1969 માં પ્રથમ વાર નોટ પર મહાત્મા ગાંધીની તસવીર
રિઝર્વ બેંકની વેબસાઇટ અનુસાર, વર્ષ 1969 માં મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દી નિમિત્તે પહેલી વાર 100 રૂપિયાની સ્મારક નોટ બહાર પાડવામાં આવી હતી. તેમાં સેવાગ્રામ આશ્રમ સાથે તેમનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો. વર્ષ 1987 થી તેમની તસવીર રૂપિયા પર નિયમિતપણે દેખાવા લાગી. તે વર્ષે ઓક્ટોબરમાં ગાંધીજીની તસવીરવાળી 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. રિપ્રોગ્રાફિક ટેકનોલોજીના વિકાસ સાથે, પરંપરાગત સુરક્ષા સુવિધાઓ અપૂરતી માનવામાં આવી હતી. વર્ષ 1996 માં નવી સુરક્ષા સુવિધાઓ સાથે નવી ‘મહાત્મા ગાંધી શ્રેણી’ શરૂ કરવામાં આવી હતી.

દેશભરમાં નાણાંનું પરિવહન અલગ અલગ રીતે થાય છે
આરબીઆઇ એ તાજેતરમાં પ્રકાશિત એક દસ્તાવેજી ફિલ્મ દ્વારા તેની કામગીરી અને ભૂમિકાઓ લોકો સુધી પહોંચાડવા માટે જણાવ્યું છે કે તે પ્રિન્ટિંગ પ્રેસથી દેશના ખૂણે ખૂણે પૈસા પહોંચાડવા માટે ટ્રેન, જળમાર્ગ, વિમાન સહિતની મુખ્ય પરિવહન પ્રણાલીઓનો ઉપયોગ કરે છે. આ પહેલી વાર છે જ્યારે આરબીઆઈ ના કાર્યને દસ્તાવેજી સ્વરૂપમાં લાવવામાં આવ્યું છે. દસ્તાવેજી ફિલ્મનું નામ ” આરબીઆઈ અનલોક્ડ: બિયોન્ડ ધ રૂપી” છે.

આપણ વાંચો : બદલાશે તમારા ખિસ્સામાં રહેલી આ નોટ, RBIએ કરી જાહેરાત, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button