કોસ્ટ ગાર્ડ દ્વારા ડૂબતા માલવાહક જહાજના 6 ખલાસીનો દિલધડક બચાવ…

મેંગલુરુઃ ભારતીય કોસ્ટ ગાર્ડે ડૂબતા માલવાહકના જહાજના ક્રૂ મેમ્બર્સને બચાવવામાં સફળતા મળી હતી. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ 14 મેના વહેલી સવારે ડૂબી ગયેલા કાર્ગો જહાજ MSV સલામતના છ ક્રૂ મેમ્બર્સને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ જહાજ મેંગલુરુથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 60-70 નોટિકલ માઇલ દૂર ડૂબી ગયું હતું.
14 મેના રોજ બપોરે લગભગ 12:15 વાગ્યે ICG ને પરિવહનમાં રહેલા જહાજ MT એપિક સુસુઇ તરફથી કટોકટીનો કોલ મળ્યો હતો. કર્ણાટકના સુરતકલ કિનારાથી લગભગ 52 નોટિકલ માઇલ દૂર જહાજે દરિયામાં છ લોકોને લઈ જતી એક નાની હોડીને ડૂબતા જોઈ હતી.
તાત્કાલિક કાર્યવાહી કરીને, આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરતા કોસ્ટ ગાર્ડના જહાજ વિક્રમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું હતું . કોસ્ટ ગાર્ડની ટીમે ઝડપથી ડીંગી બોટથી તમામ છ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
પ્રાથમિક અહેવાલો અનુસાર MSV સલામત 12 મેના રોજ મેંગલુરુ બંદરથી લક્ષદ્વીપના કદમત ટાપુ માટે રવાના થયું હતું. 14 મેના રોજ સવારે 5:30 વાગ્યે જહાજમાં પાણી ભરાવા લગતા ડૂબી ગયું હતું. આ જહાજમાં સિમેન્ટ અને બાંધકામ સામગ્રીનો માલ ભરેલો હતો. ડૂબવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
બચી ગયેલા ખલાસીઓના નામ ઈસ્માઈલ શરીફ,આલેમુન અહમદ ભાઈ ઘાવડા,કકલ સુલેમાન ઇસ્માઇલ, અકબર અબ્દુલ સુરાની, કાસમ ઈસ્માઈલ મેપાણી અને અજમલ છે. વહાણ ડૂબી જાય તે પહેલાં તેમણે એક નાની ડીંગી બોટમાં બેસીને પોતાનો જીવ બચાવ્યો હતો, ત્યાર બાદ તેમને જોવામાં આવ્યા હતા.
પંદરમી મેના તમામ ખલાસીઓને પ્રાથમિક સારવાર આપીને સુરક્ષિત રીતે ન્યૂ મેંગલુરુ બંદરે મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જહાજ ડૂબવાના કારણો જાણવા માટે ખલાસીઓની પૂછપરછ કરવામાં આવશે.
આપણ વાંચો : એવું શું થયું કે પાકિસ્તાને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે દરિયાઈ સરહદ ખોલી…