શાક્સગામ વેલીમાં ચીનના રોડ અંગે ભારતે વિરોધ નોંધાવ્યો, સેના બાંધકામની અસરોનું મૂલ્યાંકન કરશે

નવી દિલ્હી: ચીન શાક્સગામ વેલી(Shaksgam Valley)માં એક રોડનું નિર્માણ કરી રહ્યું છે, આ વિસ્તાર 1963માં પાકિસ્તાને ચીન(China)ને સોંપી દીધો હતો. ભારતે ચીનના આ પગલાનો વિરોધ નોંધાવ્યો છે, ભારતે ભારપૂર્વક કહ્યું કે તે ભારતીય ક્ષેત્રનો એક ભાગ છે.
ભારતીય સેના શાક્સગામ ખીણમાં ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા રોડની સૈન્ય અસરોનો અભ્યાસ કરશે. ચીનનો આ વિસ્તાર પર કબજો સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સંરક્ષણને જોખમમાં મૂકી શકે છે.
વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે ભારતે 1963ના કથિત ચાઇના-પાકિસ્તાન બાઉન્ડ્રી એગ્રીમેન્ટને ક્યારેય સ્વીકાર્યો નથી, જેના દ્વારા પાકિસ્તાને ગેરકાયદેસર રીતે આ વિસ્તારને ચીનને સોંપવાનો પ્રયાસ કર્યો હતો અને ભારતે તેનો સતત અસ્વીકાર કરતું આવ્યું છે.
પાકિસ્તાને 1963માં શાક્સગામ ખીણની 5180 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ગેરકાયદેસર રીતે ચીનને સોંપી દીધો હતો. શક્સગામ ખીણ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે.
વિદેશ મંત્રાલય(MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે “અમે તથ્યોને બદલવાના ગેરકાયદેસર પ્રયાસો સામે ચીની પક્ષ સાથે અમારો વિરોધ નોંધાવ્યો છે. અમે આપણા હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર વિષે પણ વાત કરી.”
આ મામલો ભારત માટે ગંભીર ચિંતાનો છે કારણ કે જો ચીન અપર શક્સગામ ખીણમાં રસ્તો લંબાવશે, તો સિયાચીન ગ્લેશિયર પરની ભારતીય સ્થિતિને બે જોખમોનો સામનો કરવો પડશે, દક્ષિણમાં પાકિસ્તાન અને ઉત્તરમાં ચીન. નિષ્ણાંતોના મત મુજબ ભારતીય સેનાએ શાક્સગામ ખીણમાં ચીનના વિસ્તરણનો રોકવા માટે લાંબા ગાળાના સંરક્ષણની યોજના કરવી પડશે.
જો કે હાલમાં ચીન દ્વારા થઇ રહેલું રોડ નિર્માણ એ લાંબા ગાળે બે સંભવિત અલાઈન્મેન્ટ વચ્ચેનો પેચ છે. ચીન સિયાચીન ગ્લેશિયર અને સાલ્ટોરો રિજ પર ભારતીય સેના પર દબાણ વધારવા માટે રોડ અને લશ્કરી ચોકીઓ દ્વારા લોઅર અને અપર શક્સગામ ખીણને જોડવા માંગે છે.
ભારત બંને દેશો વચ્ચેના સ્પેશીયલ રિપ્રેઝન્ટેટિવ ડાયલોગની બેઠકોમાં શક્સગામ ખીણનો મુદ્દો ઉઠાવી રહ્યું છે, જેની છેલ્લી બેઠક ડિસેમ્બર 2019 માં યોજાઈ હતી.