આતંકવાદીઓની ગોળીઓની બૌછાર વચ્ચે જવાનની સુરક્ષા કરતા શહાદતને વર્યો ……
રાજૌરી (જમ્મુ કાશ્મીર)ઃ છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંચ અને રિયાસી જિલ્લામાં એલઓસી પર અનેક એન્કાઉન્ટર થયા છે. એમ માનવામાં આવે છે કે જમ્મુ ડિવિઝનમાં શાંતિ ડહોળવા માટે પાકિસ્તાની આતંકવાદીઓ એલઓસી પરથી ઘૂસણખોરી કરી રહ્યા છે.
આવી જ એક ઘૂસણખોરીનો બનાવ રોકવા રાજૌરી જિલ્લાના એક દૂરના ગામમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો અને 6 વર્ષની માદા શ્વાન કેન્ટે પણ ફાયરિંગમાં શહાદત વહોરી હતી.આ અથડામણમાં એક વિશેષ પોલીસ અધિકારી સહિત અન્ય ત્રણ સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા, જેમને ઈજાઓ સાથે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આતંકવાદીઓના ગોળીબાર દરમિયાન માદા લેબ્રાડોર શ્વાન કેન્ટને ગોળી વાગી હતી અને તે શહીદ થઇ હતી.
જમ્મુના એડીજીપી મુકેશ સિંહના જણાવ્યા અનુસાર સેનાને રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓની માહિતી મળી હતી.
જે બાદ ત્યાં સૈન્ય ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાના લેબ્રાડોર શ્વાન કેન્ટના મૃત્યુ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેનાની 21 આર્મી ડોગ યુનિટની છ વર્ષની માદા લેબ્રાડોર ડોગ કેન્ટે જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન દરમિયાન તેના હેન્ડલરની સુરક્ષા કરતા પોતાનો જીવનું બલિદાન કર્યું છે.
આ માદા શ્વાનનો ઉપયોગ ત્યાંથી ભાગી રહેલા આતંકવાદીઓને શોધવા માટે કરવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર સાઇટની નજીક છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ભારતીય સેનાના 21 આર્મી ડોગ યુનિટની છ વર્ષની માદા લેબ્રાડોરને લાવવામાં આવી હતી. આ વિસ્તારમાં પહોંચતા જ આર્મીના જવાનોને ભારે ગોળીબારનો સામનો કરવો પડ્યો હતો, જેના જવાબમાં સેનાએ પણ કાર્યવાહી શરૂ કરી હતી. આર્મી ડોગ યુનિટની છ વર્ષની માદા લેબ્રાડોર કેન્ટ આ ઓપરેશનમાં સૌથી આગળ હતી.
માદા શ્વાન કેન્ટ ભારતીય સૈનિકોના એક જૂથનું નેતૃત્વ કરી રહી હતી. આ દરમિયાન તે આતંકવાદીઓના ભારે ગોળીબારનો શિકાર બની હતી. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારને કારણે તે પહાડી પરથી નીચે પડી ગઇ હતી. પોતાના હેન્ડલરની સુરક્ષા કરતી વખતે તેણે ભારતીય સેનાની શ્રેષ્ઠ પરંપરાઓનું પાલન કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
ભારતીય સેનાના શ્વાનોને છુપાયેલા આતંકવાદીઓના સ્થાનો પર દબાતે પગલે પ્રવેશવાની તાલીમ આપવામાં આવે છે. તેઓને તમામ સૈન્ય કાર્યવાહી દરમિયાન ભસવા ન દેવાની પણ તાલીમ આપવામાં આવે છે. જો શ્વાનો આતંકવાદીને જુએ છે, તો તેઓ તર જ તેમની પર હુમલો કરી દે છે.
ભારતીય સેનાના ડોગ યુનિટમાં કૂતરાઓની ઘણી જાતિઓ છે. એક અહેવાલ મુજબ, તેમાં લેબ્રાડોર્સ, જર્મન શેફર્ડ્સ, બેલ્જિયન માલિનોઈસ અને ગ્રેટ માઉન્ટેન સ્વિસ ડોગ્સ સામેલ છે. ભારતીય જાતિઓમાં મુધોલ શિકારી શ્વાનો પણ સામેલ છે.