ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, ટેરિફ વિવાદ અંગે ચર્ચાની શકયતા

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80 મુ સત્ર શરુ થયું છે. આ સંમેલનના ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પહોંચ્યા છે. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીયોને મળશે.
તેમની વચ્ચે દ્રિપક્ષીય બેઠક યોજાશે. જેમાં ભારત અને અમેરિકાના ટેરિફ વિવાદ અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.
માર્કો રૂબિયો જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
અમેરિકાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્કો રૂબિયો સોમવારે ન્યુયોર્કમાં જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બંને અગાઉ જુલાઈમાં વોશિંગ્ટનમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન મળ્યા હતા. આ દ્વિપક્ષીય બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે પણ વાતચીતનું આયોજન છે.
ન્યૂયોર્કમાં અમેરિકાના પ્રતિનિધિઓને મળશે
જયારે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સોમવારે ન્યૂયોર્કમાં અમેરિકાના પ્રતિનિધિઓને મળશે. આ પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય પરસ્પર ફાયદાકારક ટ્રેડ ડીલ વહેલા નિષ્કર્ષ માટે ચર્ચાઓને આગળ વધારવાનો છે,
ફિલિપાઇન્સના વિદેશ સચિવ સાથે મુલાકાત
ભારતના વિદેશ મંત્રી જયશંકર રવિવારે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. જેમાં જયશંકરે ફિલિપાઇન્સના વિદેશ સચિવ થેરેસા પી. લાઝારો સાથે દ્વિપક્ષીય મુલાકાત સાથે યાત્રાની શરૂઆત કરી હતી. વિદેશ મંત્રીએ બેઠકની પૂર્વસંધ્યાએ જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ માર્કોસની તાજેતરની ભારત મુલાકાત અને સંયુક્ત રાષ્ટ્ર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમારા સહયોગ અંગે ચર્ચા કરી હતી.
એસ. જયશંકરને ફરીથી મળીને ખુશ થયા
જયારે થેરેસા પી. લાઝારોએ જણાવ્યું કે, ઓગસ્ટમાં રાષ્ટ્રપતિ બોંગબોંગ માર્કોસની સફળ ભારતની મુલાકાત પછી તેઓ જયશંકરને ફરીથી મળીને ખુશ થયા. તેમણે કહ્યું, આજે અમારી ચર્ચાઓ રાજકીય, સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારો તરીકે સહયોગને વિકસાવવા બંને દેશોની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે.
આપણ વાંચો: યુએસના H-1B વિઝા સામે ચીને રજુ કર્યા K-વીઝા! જાણો શું છે ખાસિયત