ભારતીય વાયુસેનાનું મિરાજ-2000 બનશે વધુ ઘાતક: હવે ‘અસ્ત્ર Mk1’ મિસાઈલથી થશે સજ્જ

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) તેના લડાયક વિમાન મિરાજ-2000ને નવી તાકાત આપવા જઈ રહી છે. વાયુસેના મુખ્યાલય હવે આ ફ્રેન્ચ વિમાનોના અપગ્રેડેડ કાફલામાં સ્વદેશી બનાવટની ‘અસ્ત્ર Mk1’ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) મિસાઈલ સામેલ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
વિદેશી નેક્સ્ટ જનરેશન મિસાઈલ લાવવામાં હજુ વર્ષોનો સમય લાગવાનો હોવાથી ભારતીય વાયુસેનાએ પોતાની યુદ્ધ ક્ષમતામાં કોઈ કમી રહી જાય નહીં તેના માટે આ ‘આત્મનિર્ભર’ પગલું ભરવાની તૈયારી દર્શાવી છે.
વર્તમાન સ્થિતિ જોઈએ તો મિરાજ-2000 વિમાનો MICA IR અને RF મિસાઈલ પર નિર્ભર રહે છે, જેની મારક ક્ષમતા (રેન્જ) લગભગ 80 કિલોમીટર છે, પરંતુ હવે એની ક્ષમતામાં વધારો કરવામાં આવશે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, પડોશી દેશો અને પ્રાદેશિક હરીફો પાસે હવે આનાથી વધુ લાંબી રેન્જની મિસાઈલ સિસ્ટમ્સ ઉપલબ્ધ છે, જે હવાઈ યુદ્ધમાં ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે.
જોકે, યુરોપિયન કંપની MBDA દ્વારા 150-160 કિમી રેન્જવાળી MICA NG મિસાઈલ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ તેની ડિલિવરી 2028-29 સુધીમાં શક્ય છે અને સંપૂર્ણ ઓપરેશનલ થવામાં 2030 સુધીનો સમય લાગી શકે છે. આ લાંબા સમયગાળાની ગેપને પૂરવા માટે ‘અસ્ત્ર Mk 1’ એક શ્રેષ્ઠ અને સમયસરનો વિકલ્પ બની શકે છે.
આપણ વાચો: ભારતીય વાયુસેના પાકિસ્તાનના કરાચી એર સ્પેસની સામે યુદ્ધ અભ્યાસ કરશે…
ટેકનિકલ દૃષ્ટિએ અપગ્રેડેડ મિરાજ-2000 વિમાન અત્યાધુનિક Thales RDY-2 રડારથી સજ્જ છે, જે 120થી 140 કિમી દૂરથી દુશ્મન ટાર્ગેટને ટ્રેક કરી શકે છે.
જો ‘અસ્ત્ર Mk 1’ને આ વિમાનોમાં સામેલ કરવાની મંજૂરી મળે તો Thales કંપની સાથેના તકનીકી સહયોગ દ્વારા રડાર અને મિસાઈલ વચ્ચે સચોટ ડેટા લિંક સ્થાપિત કરવામાં આવશે. આનાથી મિસાઈલની ફાયર એન્ડ ફર્ગેટ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે, સુખોઈ-30 MKI અને તેજસ જેવા વિમાનોમાં ‘અસ્ત્ર’ પહેલાથી જ સફળતાપૂર્વક કાર્યરત છે.
આ નિર્ણય માત્ર વ્યૂહાત્મક રીતે જ નહીં, પણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન માટે પણ મહત્વનો સાબિત થશે. વિદેશી અપગ્રેડ્સ માટે વર્ષો સુધી રાહ જોવાને બદલે, સ્વદેશી મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ વાયુસેનાની તાકાતમાં તાત્કાલિક વધારો કરશે અને ખર્ચમાં પણ ઘટાડો કરશે. RDY-2 રડારની મજબૂત ડિટેક્શન ક્ષમતા અને અસ્ત્ર મિસાઈલનું સંયોજન મિરાજ-2000 કાફલાને ભવિષ્યના પડકારજનક હવાઈ યુદ્ધો માટે સુસંગત અને અત્યંત ઘાતક બનાવી રાખશે. અલબત્ત, ભારતના વયોવૃદ્ધ ગણાતા શમશેરને શક્તિશાળી બનાવવાથી દુશ્મનોને લડત આપવામાં વધુ મજબૂત બની શકીશું.



