નેશનલ

ચીનમાં એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીના સૌથી વધુ ૮૬ મૅડલ જીત્યા

હોંગઝોઉ: ચીનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચી દીધો છે. હાલમા રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં ભારતે એશિયન ગેમ્સની એક સિઝનમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે કુલ ૮૬ મેડલ જીત્યા હતા જેમાં ૨૧ ગોલ્ડ, ૩૨ સિલ્વર અને ૩૩ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ સાથે એશિયન ગેમ્સના ઇતિહાસમા એક સિઝનમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બની ગયો હતો. એટલે કે ભારતે અગાઉ ક્યારેય એક સિઝનમાં ૭૦થી વધુ મેડલ જીત્યા નહોતા. અગાઉ એશિયન ગેમ્સની એક જ સિઝનમાં ભારતે સૌથી વધુ ૭૦ મેડલ જીત્યા હતા. ભારતે આ રેકોર્ડ ૨૦૧૮માં જાકાર્તા એશિયન ગેમ્સમાં બનાવ્યો હતો. ત્યારે ભારતે ૧૬ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૩૧ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સની શરૂઆત ૧૯૫૧માં થઈ હતી. યજમાન ભારતે કુલ ૫૧ મેડલ જીત્યા હતા. જેમાં ૧૫ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ પછી ભારતે ૧૯૮૨માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ૧૩ ગોલ્ડ સહિત ૫૭ મેડલ જીત્યા હતા. ૧૯૫૪માં ભારતે કુલ ૧૭ મેડલ જીત્યા હતા અને ૧૯૫૮માં માત્ર ૧૩ મેડલ જીત્યા હતા જ્યારે ૧૯૫૧માં ભારતે ૧૫ ગોલ્ડ જીત્યા હતા. ૧૯૯૦માં ભારતે માત્ર ૨૩ મેડલ જીત્યા હતા. ૨૦૦૬માં પ્રથમ વખત ભારતે ૫૦થી વધુ મેડલ જીત્યા હતા. ૨૦૧૦માં ભારતે ૬૫ મેડલ જીત્યા હતા. ૨૦૧૮માં ભારતે ૭૦ મેડલ જીત્યા હતા.

ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં ૧૨મા દિવસે ભારતના ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભારતના ખેલાડીઓએ તીરંદાજીમાં પુરુષ અને મહિલા ટીમ ઇવેન્ટ અને સ્ક્વોશમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતે એશિયન ગેમ્સમાં ૧૨મા દિવસે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે કુલ પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં ભારતે એશિયન ગેમ્સમાં કુલ ૮૬ મેડલ જીત્યા હતા જેમાં ૨૧ ગોલ્ડ, ૩૨ સિલ્વર અને ૩૩ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button