નેશનલ

એશિયન પેરા ગેમ્સમાં ભારતે જીત્યા ૯૯ મેડલ

હોંગઝોઉ: એશિયન પેરા ગેમ્સમાં પાંચમા દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટ્સમાં અત્યાર સુધીમાં કુલ ૯૯ મેડલ જીત્યા હતા જેમાં ૨૫ ગોલ્ડ, ૨૯ સિલ્વર અને ૪૫ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

સુહાસ યથિરાજે મેન્સ સિંગલ બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.પેરા-શટલરે તેના મલેશિયન હરીફને હરાવી ગોલ્ડ જીત્યો હતો.યથિરાજે મેચ ૨-૧ (૧૩-૨૧, ૨૧-૧૮ અને ૨૧-૧૮)થી જીતી લીધી હતી. ભારત તરફથી ધર્મરાજ સોલઇરાજે મેન્સ લોંગ જમ્પ ટી-૬૪ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રમોદ ભગતે મેન્સ સિંગલ એસએલ૩ બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતના નીતેશ કુમારને સિલ્વર મેડલ મળ્યો હતો. ભગતે નીતેશને ૨૨-૨૦, ૧૮-૨૧ અને ૨૧-૧૯થી હરાવ્યો હતો. આખરે મેચ ૨-૧થી જીતી હતી.

રમણ શર્માએ પુરુષોની ૧૫૦૦ મીટર ટી-૩૮ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ૪:૨૦.૮૦ સેક્ધડમાં રેસ પૂરી કરીને એશિયન પેરા ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

મુરુગેસન થુલાસિમથીએ મહિલા સિંગલ્સ એસયુ૫ કેટેગરીની બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ચીનની યાંગ ક્વિક્સિયાને ૨-૦ (૨૧-૧૯, ૨૧-૧૯)થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો.
નીતેશ કુમાર અને તરુણે પુરુષોની ડબલ એસએલ-૪ બેડમિન્ટન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીઓએ ઇન્ડોનેશિયાની જોડીને હરાવીને જીત મેળવી હતી.

કૃષ્ણા નાગરે પુરુષોની સિંગલ્સ બેડમિન્ટન એસએચ૬ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે હોંગકોંગના કાઈ માન સામે શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. રાકેશ કુમારે પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન આર્ચરી ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટોચના તીરંદાજને ઈરાનની અલેસિના મનશાઈઝાદેહ સામે સખત સંઘર્ષ કરવો પડ્યો અને રમત ૧૪૪-૧૪૪થી સમાપ્ત થઈ હતી.
મેન્સ જેવલિન એફ-૫૪ ઇવેન્ટમાં પ્રદીપ કુમારે સિલ્વર મેડલ અને લક્ષિતે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પ્રદીપ કુમારે આ ઈવેન્ટમાં ૨૫.૯૪ મીટરનો થ્રો કર્યો હતો. લક્ષિતે ૨૧.૦૧ મીટરનો થ્રો કર્યો હતો. માનસી ગિરીશચંદ્ર જોશી અને મુરુગેસન થુલાસિમથીએ મહિલા ડબલ્સ એસએલ૩-એસયુ૫ બેડમિન્ટન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોશી અને થુલાસિમથી પ્રથમ ગેમ ૧૬-૨૧થી હારી ગયા હતા, પરંતુ બીજી ગેમ ૨૧-૧૩થી જીતીને વાપસી કરી હતી. તેઓ નિર્ણાયક મેચમાં ૧૪-૨૧થી હારી ગયા હતા.

રાજ કુમાર અને ચિરાગ બરેથાએ બેડમિન્ટનમાં પુરુષોની ડબલ્સ એસયુ૫ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.

મનુએ મેન્સ શોટ પુટ એફ૩૭ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરા-એથ્લેટે ૧૪.૦૯ મીટરનો થ્રો કર્યો હતો. સુયશ જાધવે બ્રોન્ઝ મેડલ જીતીને એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩ માટે પ્રથમ પેરા સ્વિમિંગ મેડલ જીત્યો હતો. ટોપ સ્કીમ એથ્લેટે પુરુષોની ૫૦ મીટર બટરફ્લાય એસ૭ ઇવેન્ટમાં ૩૨.૨૨નો સ્કોર કર્યો હતો.

લક્ષ્મીએ મહિલાઓની ડિસ્કસ થ્રો એફ૩૭/૩૮ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરા-એથ્લેટે આ ઇવેન્ટમાં ૨૨.૫૫ મીટરનો થ્રો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button