નેશનલ

એશિયન ગેમ્સમાં ભારતે એક જ દિવસમાં જીત્યા ૧૫ મેડલ્સ

સાબળેએ સ્ટીપલચેઝમાં ભારતને પ્રથમવાર ગોલ્ડ મેડલ અપાવ્યો

વિઘ્નદોડમાં વિજયી: હોંગઝાઉમાં રમાઈ રહેલી ૧૯મી એશિયન ગેમ્સમાં ભારતના અવિનાશ મુકુંદ સાબળેએ પુરુષોની ૩,૦૦૦ મીટરની વિઘ્નદોડની ફાઈનલ જીતીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. (એપી)

હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. એશિયન ગેમ્સમાં આઠમા દિવસે ભારતીય ખેલાડીઓએ ૧૫ મેડલ જીત્યા હતા જેમાં ત્રણ ગોલ્ડ, આઠ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતે મેડલ્સની ફિફ્ટી પૂરી કરી હતી. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં કુલ ૫૩ મેડલ્સ જીત્યાં છે જેમાં ૧૩ ગોલ્ડ, ૨૨ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

જ્યોતિ યારાજીએ ૧૦૦ મીટર હર્ડલ રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ તેને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો પરંતુ ભારતીય અધિકારીઓએ વાંધો ઉઠાવતા તેની સંપૂર્ણ તપાસ કરાઇ હતી. ચીની એથ્લેટને ખોટી શરૂઆતના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ રીતે મેડલને અપગ્રેડ કરીને જ્યોતિને સિલ્વર મેડલની વિજેતા જાહેર કરાઇ હતી.

બેડમિન્ટનની ટીમ ઈવેન્ટમાં ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઇનલમાં ચીને ૩-૨થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ મેચમાં ભારતે પ્રથમ બે ગેમ જીતીને ૨-૦ની સરસાઈ મેળવી હતી. પરંતુ છેલ્લી ૩ મેચ હાર્યા બાદ ગોલ્ડ મેડલ ગુમાવ્યો હતો. લક્ષ્ય સેન અને સાત્વિક-ચિરાગની જોડીએ મેચ જીતી હતી. જ્યારે કિદામ્બી અને મિથુન સિંગલ્સમાં તેમની મેચ હારી ગયા હતા. જ્યારે ધ્રુપ કપિલા અને એમઆર અર્જુનની જોડી પણ હારી ગઈ હતી. ડિસ્ક્સ થ્રોમાં ભારતની સીમા પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ૫૮.૬૨ મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીનના બિન ફેંગે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જિયાંગ ઝિચાઓએ સિલ્વર પર કબજો કર્યો હતો. નંદિની અગાસરાએ ૮૦૦ મીટર હેપ્ટાથલોનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે આ ઈવેન્ટની ફાઇનલમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. તેણે ૨:૧૫:૩૩નો સમય લીધો હતો.

મહિલાઓની ૧૫૦૦ મીટર દોડમાં હરમિલન બેન્સે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. હરમિલન બીજા સ્થાને રહી હતી. બહેરીનના વિનફ્રેડ મુટીલે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. પુરુષોની ૧૫૦૦ મીટર દોડમાં ભારતે બે મેડલ જીત્યાં હતાં. અજય કુમાર સરોજે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે જિનસન જોન્સને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કતારના મોહમ્મદ અલ ગરનીએ આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતે પુરુષોની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ સ્ટાર એથ્લેટ મુરલી શ્રીશંકરે હાંસલ કરી હતી. તેણે ૮.૧૯ મીટરની છલાંગ લગાવીને દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ચીનના વાંગ જિયાનાને ૮.૨૨ મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના તજિન્દરપાલ સિંહ તૂરે શોર્ટ પુટ એટલે કે ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. તેણે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તજિંદરે ૨૦૧૮ જાકાર્તા એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય શોટ પુટર તેજિન્દરપાલ સિંહ તૂરે દિવસનો ત્રીજો ગોલ્ડ અને એથ્લેટિક્સમાં બીજો ગોલ્ડ જીત્યો હતો. તેણે ૨૦.૩૬ મીટરના સ્કોર સાથે ગોલ્ડ જીત્યો હતો. તૂર પાંચ પ્રયાસો સુધી બીજા નંબર પર હતો. છેલ્લા પ્રયાસમાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

તે સિવાય ભારતના સ્ટાર એથ્લિટ અવિનાશ સાબળેએ પુરુષોની ૩,૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં ઈતિહાસ રચ્યો હતો. અવિનાશે ૨૦૨૩ એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે ૮:૧૯:૫૩ મિનિટનો સમય લીધો હતો. અવિનાશ સાબળે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી પણ બન્યો છે.

અગાઉ ટીમ ઈન્ડિયાએ શૂટિંગની ટ્રેપ મેન ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કે.ચેનાઈ, પૃથ્વીરાજ અને જોરાવર સિંહે મેન્સ ટીમ ટ્રેપ શૂટિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમણે ૩૬૧નો સ્કોર કર્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ટ્રેપ શૂટિંગમાં ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે.

ભારતીય મહિલા ટીમે ટ્રેપ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. મનીષા કીર, રાજેશ્ર્વરી કુમારી અને પ્રીતિ રજકે ૩૩૭નો સ્કોર કર્યો હતો. ચીનની ટીમે ૩૫૫નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તે સિવાય ભારતીય ગોલ્ફર અદિતિ અશોકને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. અદિતિ અશોકનો સિલ્વર મેડલ ઐતિહાસિક છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા ગોલ્ફરે ભારત માટે મેડલ જીત્યો છે. થાઈલેન્ડની અપિરચાયા યુબોલે છેલ્લા દિવસે શાનદાર પ્રદર્શન બતાવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો. અદિતિ મેચના અંતે બે સ્ટ્રોકથી પાછળ પડી ગઈ અને ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી.

બોક્સિંગમાં ભારત માટે એશિયન ગેમ્સનો આઠમો દિવસ નિરાશાજનક રહ્યો હતો. સ્ટાર મહિલા બોક્સર નિકહત ઝરીનને સેમિફાઇનલમાં હાર મળી હતી. આ સાથે તેને હવે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે. તેણીને થાઈલેન્ડ સામે ૩-૨થી હાર મળી હતી.

શૂટિંગમાં કિનાન ડેરિયસ ચેનાઇએ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તેણે મેન્સ ટ્રેપ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે લક્ષ્ય પર ૪૦ માંથી ૩૨ શોટ ફટકારવામાં સફળ રહ્યો હતો. કિનાન ડેરિયસ ચેનાઈ પુરુષોની ટ્રેપ સિંગલ્સ ફાઇનલમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. ચીનને ગોલ્ડ અને કુવૈતને સિલ્વર મેડલ મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button